મહેસાણા, કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરેલા સીજે ચાવડા સામે રોષ જોવા મળ્યો છે. વિજાપુર વિધાનસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન હવે સીજે ચાવડા સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. સીજે ચાવડાને ટિકિટ આપવાને લઈ કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામુ ધર્યુ છે.
મહેસાણા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રહી ચૂકેલા ગોવિંદ પટેલે ભાજપમાંથી રાજીનામું ધરીને વિરોધ દર્શાવ્યો છે. ભાજપની વિચારધારા ના હોય એવા લોકોને ઉમેદવાર તરીકે ઉતાર્યાનો રોષ ઠાલવ્યો છે. ગોવિંદ પટેલે મીડિયાને જણાવ્યુ હતુ કે, તેઓએ ખૂબ મનોમંથન કર્યા બાદ આ નિર્ણય કર્યો છે અને હજુ વધુ લોકોના રાજીનામા પડશે એવી આશા વ્યક્ત કરી છે.