નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ સહિત મોટાભાગના પક્ષોમાંથી નેતાઓ, કાર્યકરો, ધારાસભ્યો તથા સાંસદોની પક્ષપલટાની જાણે ૠતુ આવી ગઇ છે. આ સૌની વચ્ચે એવા ઘણાં નેતાઓ છે જેમના સમર્થકો પણ તેમની સાથે પાર્ટી છોડી રહ્યા છે. કોંગ્રેસ માટે આવા જ એક નેતા મુશ્કેલી બની ગયા છે કે જેમના આશરે ૩૦૦૦ જેટલા કોંગ્રેસી સમર્થકોએ કેસરિયો ધારણ કરી લીધો છે.
કોંગ્રેસ છોડી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય અજય કપૂરે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ ભાજપના ભરતી મેળા સમાન જ કાર્યક્રમ હતો જેમાં આશરે ૩૦૦૦ જેટલા કોંગ્રેસીઓએ પંજાનો સાથ છોડી કમળનો ફૂલ ઝાલી લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણાં પૂર્વ કાઉન્સિલરો પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે.
કોંગ્રેસમાં મચેલી નાસભાગ રોકાઈ રહી નથી. પૂર્વ ધારાસભ્ય અજય કપૂર પ્રત્યે આસ્થા ધરાવતા કાનપુર બુંદેલખંડ ઝોનના કોંગ્રેસ સેવાદળના યુવા બ્રિગેડના પ્રદેશ અધ્યક્ષ સંગીત તિવારી, ૯ જિલ્લા અધ્યક્ષ સહિત અનેક પદાધિકારીઓએ કોંગ્રેસના નેતૃત્વને રાજીનામું મોકલી દીધું હતું જેમાં લખ્યું હતું કે પાર્ટીના નેતાઓ એસીમાંથી બહાર જ નીકળતા નથી. એટલા માટે અમે હવે ભાજપમાં જઈ રહ્યા છીએ. સેવા દળના નેતા સંગીતે રાજીનામામાં લખ્યું કે સ્થાનિક એકમોની ચૂંટણીમાં કોંગ્રેસ સેવાદળના અનેક કાર્યક્રરોને મહત્ત્વ અપાયું હતું પણ લોક્સભા અને વિધાનસભા ચૂંટણીમાં તેમને ભુલાવી દેવાયા.
ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મોટી મુશ્કેલીમાં મૂકાઇ ચૂકી છે. તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયેલા તેના વરિષ્ઠ નેતા અજય કપૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેનાથી તેમની ત્રણ દાયકાની રાજનીતિનો કોંગ્રેસમાં અંત આવ્યો હતો. તેઓ ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસમાં અનેક પદ પર રહી ચૂક્યા હતા. તે એઆઈસીસીમાં સેક્રેટરી અને બિહારમાં કો ઈન્ચાર્જ પણ રહી ચૂક્યા હતા. તેમના દ્વારા પાર્ટી છોડતી વખતે કોંગ્રેસે કહ્યું હતું કે તેઓ તપાસ એજન્સીઓના ડરથી ભાજપના દબાણમાં આવીને પક્ષ છોડી ગયા હતા.