નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ નેતા શશિ થરૂરની મુસીબતો વધુ વધી ગઈ છે. કેરળના તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખરે શશિ થરૂર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમજ રાજીવે શશિ થરૂરને માફી માંગવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂર કેરળની રાજધાની તિરુવનંતપુરમથી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે રાજીવ ચંદ્રશેખરને તેમની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં શશિ થરૂરે રાજીવ પર કેશ ફોર વોટ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા શશિ થરૂરે દાવો કર્યો છે કે રાજીવે વોટ ખરીદવા માટે કેટલાક સમુદાયના ધામક નેતાઓને પૈસાની ઓફર કરી છે. ભાજપના નેતા રાજીવ ચંદ્રશેખરે શશિ થરૂરના નિવેદન પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું છે. રાજીવે શશિ થરૂરને ચેતવણી આપી છે કે જો તે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે અને રાજીવની જાહેરમાં માફી નહીં માંગે તો શશિ થરૂર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રાજીવ અનુસાર, શશિ થરૂરનું નિવેદન સંપૂર્ણપણે ખોટું અને પાયાવિહોણું છે. લોક્સભાની ચૂંટણી જીતવા માટે શશિ થરૂર રાજીવ ચંદ્રશેખરની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શશિ થરૂરના નિવેદન પર કાર્યવાહી કરતા રાજીવ ચંદ્રશેખરે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કાનૂની નોટિસ અનુસાર, શશિ થરૂરે લોક્સભાની ચૂંટણી જીતવાના ઈરાદાથી રાજીવ વિશે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી છે, જેનાથી રાજીવની છબી ખરાબ થઈ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શશિ થરૂરે ૨૪ કલાકની અંદર રાજીવ ચંદ્રશેખરની માફી માંગવી જોઈએ અને ભવિષ્યમાં આવા નિવેદન ન કરવા જોઈએ.