કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો પ્રચંડ પ્રચાર : નજર ના લાગે માટે લીંબુનું તોરણ લાવ્યો છું

રાજકોટ, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. લોક્સભાની ચૂંટણીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી રાજકોટની બેઠકના ઉમેદવાર છે. પરશોત્તમ રુપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ વકરતા રાજકોટની આ બેઠક ચૂંટણી માટે વધુ મહત્વપૂર્ણ બની છે. છેલ્લા કેટલાક સમયથી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળ્યો. આ વિવાદનો લાભ લેવા કોંગ્રેસ પણ પાછી પાની ના કરતા રાજ્યના સ્ટાર નેતા પરેશ ધાનાણીને રૂપાલા સામે ટક્કર આપવા મેદાને ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતાંની સાથે પરશે ધાનાણી જોરદાર રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી આજે શહેરના જુબેલી ગાર્ડનથી સોરઠીયવાડી સર્કલ સુધી પત્રયાત્રા યોજી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ધાનાણીએ લીંબુ સાથે ખાસ રીતે પ્રચાર કર્યો. પદયાત્રા દરમ્યાન ધાનાણી વેપારીઓને મળ્યા હતા અને એક લીંબુના વેપારી સાથે વાતચીત કરતાં હાથમાં લઈને સત્તાધારી ભાજપ પર આડક્તરો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ‘રાજકોટને કોઈની નજર ના લાગે માટે લાવ્યો છું લીંબુનું તોરણ’. વેપારીઓ સાથે વાત કરતાં ઉદ્યોગોની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો.

પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવતા સાથે ચૂંટણીમાં રાજકોટ બેઠક પર તમામની નજર રહેશે. આજે ચૂંટણી પ્રચાર કરતા તેમણે શહેરના શાકભાજીના વેપારીઓ સાથે વાત કરી હતી. અને મોંઘવારી તેમજ વેપારીઓને પડતી મુશ્કેલીઓને લઈને ચર્ચા કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં લીંબુ બતાવી કહ્યું કે રાજકોટને કોઈની નજર ના લાગે માટે શહેરના આંગણી લીંબુનું તોરણ બાંધવા આવ્યો છું. ધાનાણીએ પ્રચારમાં કહ્યું કે રાજકોટ તેના સ્વબળે ઉભું થયું છે, અને કોઈ તેની ઓળખને ભૂંસવા પ્રયાસ કરશે તો સાંખી નહી લેવાય. આમ કહેતા તેમણે રુપાલા અને ક્ષત્રિય વિવાદના સંદર્ભ સાથે રાજકોટવાસીઓ કોંગ્રેસને મત આપે તેવી આડક્તરી રીતે અપીલ કરી હતી. આમ કોંગ્રેસ નેતા પરેશધાનાણીએ વધતા લીંબુના ભાવ અને ક્ષત્રિય વિવાદ પર સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું.