- “દેશ હવે એક થશે. લોકશાહીની તાકાત એ આપણો સંદેશ છે. : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ
નવીદિલ્હી, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ કૉંગ્રેસે બિન-ભાજપ પક્ષોની એક્તાને સમર્થન અપાતા કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દિલ્હીની વહીવટી સેવાઓ પર નિયંત્રણ મેળવવા માટે લાવેલા વિવાદાસ્પદ વટહુકમનો વિરોધ કરવા સહમતી દર્શાવી હતી.
નોંધનીય છે કે આગામી સંસદ સત્રમાં ભાજપ ગૃહમાં ખરડો( લાવશે અને આ વટહુકમને કાયદો બનાવવા પ્રયત્ન કરશે. કોંગ્રેસે એવો સંકેત પણ આપ્યો હતો કે તે સંસદમાં આ બિલનો વિરોધ કરવા માટે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે જોડાશે. પાર્ટીએ એમ પણ જણાવ્યું કે જ્યારે બિલ સંસદમાં આવશે ત્યારે અન્ય વિરોધ પક્ષો સાથે પરામર્શ કરીને નિર્ણય લેશે.
કોંગ્રેસ નેતૃત્વ સાથે નીતિશની મુલાકાત દિલ્હીના મુખ્યપ્રધાન અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલને મળ્યાના એક દિવસ બાદ યોજાઈ હતી. વટહુકમ અંગે કેન્દ્ર સાથે ચાલી રહેલી તકરારમાં કેજરીવાલને ટેકો આપતા, નીતિશ કુમારે કેન્દ્રને તેના ફાયદા માટે બંધારણમાં ફેરફાર કરતા રોકવા માટે તમામ પક્ષોની સાથે આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી (સંગઠન) કે સી વેણુગોપાલે ટ્વિટ કર્યું કે, ‘દિલ્હીના પાર્ટી યુનિટ અને અન્ય સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવશે. પક્ષ કાયદાના શાસનમાં માને છે અને સાથે જ, બિનજરૂરી ધર્ષણ, રાજકીય વિચ હન્ટિંગ અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા રાજકીય વિરોધીઓ સામે જૂઠાણા પર આધારિત ઝુંબેશને પણ સ્વીકારતી નથી.,”
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ બેઠક બાદ ટ્વિટ કર્યું. “દેશ હવે એક થશે. લોકશાહીની તાકાત એ આપણો સંદેશ છે. રાહુલ ગાંધી અને મેં આજે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને દેશને નવી દિશા આપવાની પ્રક્રિયાને આગળ ધપાવી.”
નીતીશ કુમારે અન્ય વિપક્ષી દળોના કેટલાક નેતાઓ સાથેની તેમની ચર્ચાઓ અંગે કોંગ્રેસ નેતાઓ સાથે વાત કરી હતી. કોંગ્રેસ નેતાઓ સમાન વિચારધારાવાળા પક્ષોનું સંમેલન યોજવા સહમત થયા છે. કે સી વેણુગોપાલે જણાવ્યું કે “અમે વિરોધ પક્ષોની બેઠક વિશે વિગતવાર ચર્ચા કરી હતી. અમે એક-બે દિવસમાં બેઠકની તારીખ અને સ્થળ નક્કી કરીશું.”
સૂત્રોએ જણાવ્યું કે નીતિશ કુમાર ઈચ્છે છે કે બેઠક પટનામાં યોજાય. પરંતુ સ્થળ અને તારીખ અન્ય તમામ નેતાઓની સુવિધા અનુસાર નક્કી કરવામાં આવશે. કેટલાક નેતાઓ વિદેશ પ્રવાસે જવાના છે. તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન મંગળવારે સિંગાપોર અને જાપાનના નવ દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ આવતા અઠવાડિયે વિદેશ જવાના છે. રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા અને ભારતીય ડાયસ્પોરાની સભાને સંબોધવા માટે ૨૮ મેના રોજ યુએસ જવા રવાના થઈ રહ્યા છે.
નોંધનીય છે કે અગાઉ નીતિશ કુમાર તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ, ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરી હતી. તેમણે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી સુપ્રીમો શરદ પવાર, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી અને ડી રાજા સાથે પણ મુલાકાત કરી હતી.