કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ

ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરંતુ લોકોએ પણ આ માટે આંદોલન શરૂ કરવું પડ્યું છે.

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કિરેન રિજિજુએ કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓના નેતાઓ પર લાગેલા અનેક ભ્રષ્ટાચારના કેસનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમાં RJD, TMC અને DMK પણ સામેલ છે. 

કિરેન રિજિજુએ કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ અને તેમની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચાર જેવી બીમારીઓ ફેલાવી રહી છે. તેમના વિરુદ્ધ માત્ર સરકાર ને જ નહીં પરંતુ દેશની જનતાને પણ આંદોલન કરવું પડી રહ્યુ છે. કોંગ્રેસના ભ્રષ્ટાચારની દુકાન બંધ થવી જોઈએ અને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તપાસ એજન્સીઓને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. હવે તેઓ અટકવાના નથી. 

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂના ઠેકાણા પરથી 200 કરોડથી વધુની રોકડ મળી આવ્યા બાદ ભાજપ કોંગ્રેસ પર સતત ભ્રષ્ટાચાર મામલે નિશાન સાધી રહી છે.