નવીદિલ્હી, ૬ વારના લોક્સભા સાંસદ સોનિયા ગાંધી હવે રાજ્યસભા સાંસદ બન્યાં છે. મંગળવારે રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. રાજ્યસભા સાંસદ તરીકે સોનિયાને આ પહેલો કાર્યકાળ છે. આ પહેલા તેઓ ૬ વાર સાંસદ રહી ચૂક્યાં છે.
સોનિયા ગાંધી અત્યાર સુધી યુપીની રાયબરેલી બેઠક પરથી લોક્સભા ચૂંટણી લડતાં હતા. તેઓ રાજ્યસભામાં જતાં હવે તેમની આ બેઠક ખાલી પડી છે. રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડાવાનો કોંગ્રેસનો પ્લાન છે એટલે સોનિયા ગાંધીએ આ બેઠક ખાલી કરી હતી.
સોનિયા ગાંધી ૧૯૯૯માં પહેલીવાર અમેઠીથી લોક્સભા સાંસદ બન્યા હતા. અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, ૨૦૦૪માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોક્સભા ચૂંટણી લડી ચૂક્યા છે. ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી.