નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની પાર્ટીના મેનિફેસ્ટોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ માહિતી આપી હતી. વાત જાણે એમ છે કે, વેણુગોપાલે કહ્યું કે પાર્ટીના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા નિવેદનો અંગે ખડગેજી પીએમ મોદી સાથે વાત કરશે. આ દરમિયાન તેઓ ’ન્યાય પત્ર’ અંગે પોતાનો પક્ષ રજૂ કરશે. નોંધનિય છે કે, કોંગ્રેસે આ મહિનાની પાંચમી તારીખે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ ’ન્યાય પત્ર’ રાખ્યું છે. પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં મહિલાઓ, ખેડૂતો, બેરોજગારો અને યુવાનોનું ધ્યાન રાખ્યું છે. પરંતુ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન મોદી એ કહ્યું કે, કોંગ્રેસનો ઢંઢેરો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે અને મુસ્લિમ લીગના ઢંઢેરામાં જે પણ ભાગ બચ્યો છે તેમાં ડાબેરીઓનું સંપૂર્ણ વર્ચસ્વ છે. વડા પ્રધાને કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણની દલદલમાં એટલી ડૂબી ગઈ છે કે તે તેમાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં. તેમણે જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે તે કોંગ્રેસનો નહીં પણ મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો હોવાનું જણાય છે. રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું ક, કોંગ્રેસમાં શહેરી નક્સલવાદની વિચારધારા હજુ પણ જીવંત છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં કહ્યું છે કે, જો તેની સરકાર બનશે તો તે ઘૂસણખોરોને માતા-બહેનોની જ્વેલરી અને અંગત સંપત્તિનું વિતરણ કરશે. કોંગ્રેસે PM મોદીના આ નિવેદનની નિંદા કરી છે.
આ તરફ પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે કોંગ્રેસના ઢંઢેરામાં ક્યાં લખ્યું છે કે, અમે લોકોની સંપત્તિનું વિતરણ કરીશું? મોદી લોકોને ખોટા અને બિનજરૂરી મુદ્દાઓમાં ફસાવી રહ્યા છે. નિરાશાથી સતત જૂઠું બોલવું.મોદીના આ નિવેદનોને લઈને ખડગેએ વડાપ્રધાન સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આ દરમિયાન ખડગે મોદીને મેનિફેસ્ટોની દરેક વાત સમજાવશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ૩૦ લાખ સરકારી નોકરીઓ,એમએસપી કાયદો, જાતિ ગણતરી સહિત ઘણા મોટા વચનો આપ્યા હતા.