કોંગ્રેસનો આપ પર ગંભીર આરોપ: ચાર્ટડ પ્લેનથી કરોડો રુપિયાની હેરાફેરી


અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પળે-પળે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ મોટા રાજકીય નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે ગંભીર આરોપોનો સિલસિલો પણ જોવા મળી રહ્યો છે. હવે કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેરાનો આપ પર આરોપ મૂકવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે, બે રાજ્યોના મુખ્યમંત્રી રુપિયા લઈને આવ્યા હતા. ચાર્ટડ પ્લેનથી કરોડો રુપિયાની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે, કરોડો રુપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ જરુરી છે. પંજાબ ઝ્રસ્ પ્લેનમાં રુપિયા લઈને આવ્યા હતા.

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આપ પાર્ટી પર ગંભીર આરોપ મૂક્તા કહ્યુ કે, પંજાબ સરકારના વિમાનમાં બે મુખ્યમંત્રી ગુજરાત પહોંચ્યા હતા. ૧ ઓક્ટોબરની તારીખ જણાવાઇ રહી છે. એમાં થેલા ભરીને પૈસા આવે છે. આ અંગે તેમને પૂછવામાં આવે છે કે સાહેબ આ તમે કેવી રીતે લઇને આવ્યા? તો ઇશારાથી બતાવે છે કે વિમાનથી. આ સરકારી તંત્રનો દુરુપયોગ છે. પૈસા ક્યાંથી આવી રહી છે, આટલા પૈસા કેમ આવી રહ્યા છે, રોકડમાં આટલા નાણાં ક્યાંથી લઇને આવ્યા છો? દિલ્હીથી જીત્યા અને તેના પૈસા પંજાબમાં લગાવ્યા. પંજાબ જીત્યા ત્યાંના પૈસા ગુજરાતમાં લગાવ્યા. હવે આ બન્ને રાજ્યોની હાલત જોઇ લો.
રઘુ શર્માએ જણાવ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. જો પૈસા વિમાનમાં આવે છે તો સિક્યોરિટી શું કરી રહી છે? તપાસ થાય છે કે નહીં? આ બધી સગવગ કોણ કરી રહ્યું છે? આ બહુ ગંભીર સવાલ છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યુ કે, મેં એટલે જ પાર્ટી છોડી. આ લોકો કહે છે કે તેઓ ભ્રષ્ટાચાર કરતાં નથી, પરંતુ મેં આંખોથી જોયું છે. આટલા બધા પૈસા ક્યાંથી આવી રહ્યા છે? ભ્રષ્ટાચાર કરતાં નથી તો ક્યાંથી આવે છે? મેં જોયું કે અઢળક પૈસા આવ્યા. કેટલા હતા તે ખબર નથી. મેં પૂછી લીધું કે ક્યાંથી આવ્યા? તો ઇશારામાં કહી દીધું કે આવી રીતે લઇને આવ્યા.