કોંગ્રેસ ૧૮ થી ૨૪ જાન્યુઆરી વચ્ચે દરેક વિધાનસભામાં સંમેલન આયોજીત કરશે

ભોપાલ, મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભા પ્રભારીઓની જરૂરી બેઠક શનિવારે પ્રદેશ કાર્યાલયમાં મળી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ પટવારીએ ભાગ લીધો હતો. બેઠકમાં આગામી લોક્સભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ માટે ૧૮ થી ૨૪ જાન્યુઆરી સુધી દરેક વિધાનસભામાં સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે વધુમાં વધુ લોકોને એકત્ર થવા જણાવાયું હતું. જેના દ્વારા સત્તાધારી ભાજપની જનવિરોધી નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે અને પક્ષના કાર્યકરોને સક્રિય કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજીવ સિંહે કહ્યું કે, પાર્ટી લોક્સભા ચૂંટણી પહેલા વિધાનસભા સ્તરે એક સંમેલન કરશે. કોંગ્રેસ પાર્ટી લોક્સભાની ચૂંટણીની તૈયારીમાં સતત વ્યસ્ત છે. આ સંદર્ભે આજની સમગ્ર બેઠક યોજાઈ હતી. જે વિધાનસભા પ્રભારીઓ બનાવવામાં આવ્યા છે તેમની સંગઠનાત્મક જવાબદારીઓ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, મતદાર યાદી અંગે કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરોને પણ આ બાબતે સક્રિય રહેવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં વધુ લોકોના નામ ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ડોનેશન ઝુંબેશને લઈને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ સાથે જ બેઠકમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ યાત્રા રાજ્યના ૯ જિલ્લામાંથી પસાર થશે.

બેઠકમાં બહુ ઓછા પ્રભારીઓએ હાજરી આપી હતી. માત્ર ૧૫૦ જેટલા ઇન્ચાર્જો આવ્યા હતા. જેને લઈને પ્રદેશ પ્રમુખ રોષે ભરાયા હતા. મીટીંગમાં ઘણા પ્રભારીઓની ગેરહાજરી અંગે રાજીવ સિંહે કહ્યું કે મીટીંગ અંગેની માહિતી શુક્રવારે બપોરે પણ આપવામાં આવી હતી, જેના કારણે દૂર રહેતા ઘણા મિત્રો હાજર રહી શક્યા ન હતા. ઇન્ચાર્જ વિવિધ કારણોસર આવ્યા ન હતા. તમામે માહિતી આપી છે.