નવીદિલ્હી,આજથી નવો મહિનો શરૂ થયો છે. આ સાથે સરકાર તરફથી સારા સમાચાર પણ આવ્યા છે. એલપીજી ગેસ સસ્તો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ કૉમર્શિઅલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે જેટ લુટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ૧૯ કિલોના કૉમર્શિઅલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ ૧૭૨નો ઘટાડો કર્યો છે. આ સિવાય જેટ ફ્યુઅલ ની કિંમતમાં પણ ૨૪૧૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર આજથી જ લાગુ થઈ ગયા છે. જોકે, ઘરેલુ એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
૪ મહાનગરમાં કૉમર્શિઅલ એલપીજીના ભાવ
દિલ્હીમાં ૨૦૨૮ રૂપિયાના બદલે હવે ૧૮૫૬.૫૦ રૂપિયાનો સિલિન્ડર
કોલકાતામાં ૧૯૬૦.૫૦ રૂપિયા જે પહેલા સિલિન્ડર દીઠ ૨૧૩૨ રૂપિયા હતા
મુંબઈમાં ૧૮૦૮.૫૦ હતો જ્યારે ગયા મહિને ભાવ ૧૯૮૦ રૂપિયા હતો.
આજથી ચેન્નાઈમાં કિંમત ૨૦૨૧.૫૦ રૂપિયા થશે, જે એપ્રિલમાં ૨૧૯૨.૫૦ રૂપિયા હતી.
મહિનાના પહેલા દિવસે એરલાઈન્સ કંપનીઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ઓએમસીએ જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં ૨૪૧૫.૨૫ રૂપિયાનો ઘટાડો થયો છે. એટીએફના નવા ભાવ આજથી લાગુ થશે. પીક ટ્રાવેલ સીઝનમાં કિંમતોમાં ઘટાડો એરલાઈન્સ કંપનીઓ માટે મોટી રાહત હશે. આ કારણે હવાઈ ભાડામાં પણ ઘટાડો થવાની આશા રાખવામાં આવી શકે છે.
એટીએફની નવી કિંમત: દિલ્હી રૂપિયા ૯૫૯૩૫.૩૪,મુંબઈ રૂપિયા૮૯૩૪૮.૬૦,કોલકાતા રૂપિયા ૧૦૨૫૯૬.૨૦,ચેન્નાઈ રૂપિયા૯૯૮૨૮.૫૪ થયો છે
એલપીજી સિલિન્ડરનો ઉપયોગ દેશની મોટી વસ્તી દ્વારા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગેસ કનેક્શન લેવાની સાથે તમને ૫૦ લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળે છે. તેને એલપીજી વીમા કવર કહેવામાં આવે છે. જો ગેસ સિલિન્ડરને કારણે કોઈ પણ પ્રકારનું જાન-માલનું નુક્સાન થાય છે, તો તેની ભરપાઈ વીમાની રકમ દ્વારા કરવામાં આવે છે. ગેસ સિલિન્ડર પરનો આ વીમો બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. મતલબ કે તમારે આ માટે કોઈપણ પ્રકારનું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ સુવિધા તમામ સિલિન્ડર ધારકને મળે છે.