ગોધરા,
પ્રાથમિક શાળા વાવડી બુઝુર્ગ તાલુકો ગોધરા ખાતે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમની વાર્ષિક શિબિરનો શુભારંભ શિબિરના અધ્યક્ષ અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એનએસએસના કોર્ડીનેટર ડો. નરસિંહભાઈ પટેલ, વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિબિરના મુખ્ય મહેમાન તેવા ભાવેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. જેમાં એનએસએસના 62 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત એનએસએસના કોર્ડીનેટર અને આ સમારંભના ઉદ્ઘાટક ડો. નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, એન એસ એસ એ માત્ર શિક્ષણ કે સેવા જ નથી એ જીવન જીવવાની કળા છે, હું નહીં પરંતુ તમે… નોટ મી બટ યુ …એ ઉક્તિને સાર્થક કરતા એનએસએસના સ્વયંસેવકો આખા સમાજમાં આગવા કરી આવવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે આ એનએસએસ દ્વારા પોતાનું જીવન ઘડવા અને સમાજમાં પોતાનું અને પોતાની કોલેજનું નામ ઉજાગર કરવા તેમણે વિદ્યાર્થીઓને અવનવા ઉદાહરણ સાથે હળવી શૈલીમાં શીખ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અને પ્રાથમિક શાળા વાવડીના આચાર્ય ભાવેશભાઈ પટેલે કહ્યું હતું કે, આપણે દરેક જગ્યાએથી ક્યાંકને ક્યાંક શિખતા રહેવું જોઈએ, યુવાનો કેવી રીતે વર્તે છે, વડીલો કેવી રીતે વર્તે છે. તેમનું વર્તન જોઈને આપણામાં પોઝિટિવ વિચાર આવે એ જ આપણી સાચા વિદ્યાર્થીની ઓળખ છે. ત્યારે વિદ્યાર્થી તરીકે સારૂં જ્ઞાન, સાચું જ્ઞાન મેળવી તમે સેવાકીય ક્ષેત્રમાં આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કુમારી મુસ્કાન શેખ દ્વારા મધુર પ્રાર્થના રજુ કરવામાં આવી હતી. એનએસએસના સ્વયંસેવકો એ સફાઈ અભિયાન થી આખા કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આગામી સમયમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચે એવો કાર્યક્રમ કરવાનો નિર્ધાર એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરૂણસિંહ સોલંકી એ જણાવ્યું હતું.