કોમર્સ કોલેજ ગોધરા ના એનએસએસ વિભાગ દ્વારા યોગ શિબિર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ગોધરા,દેશના ગૌરવવંતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 16 અને 17 સપ્ટેમ્બરે આયોજીત બે દિવસની યોગ શિબિર ગોધરાના અટલ ગાર્ડન ખાતે યોજાનાર છે. આ યોગ શિબિર અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ કોમર્સ કોલેજ ગોધરા ખાતે એનએસએસ તથા વ્યાયામયોગ ખેલકૂદ ધારા અંતર્ગત યોજાઈ ગયો. જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને યોગ વિશેની સમજૂતી તથા યોગ થી થતા ફાયદા વિશે સમજૂતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કોલેજની બે વિદ્યાર્થીનીઓ દ્વારા સૂર્યનમસ્કારના તમામ સ્ટેપ એક પછી એક વિદ્યાર્થીને કરી બતાવવામાં આવ્યા હતા.

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. અરૂણસિંહ સોલંકી, ખેલકૂદ ધારાના ઇન્ચાર્જ ડો. વી એમ પટેલ તથા કોલેજના સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઇન્ચાર્જ ડો. એસ.આર.વ્યાસ દ્વારા યોગ અંગેનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસની લીડર માનસી ખરાદીએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 182 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ યોગ કોચ સોનલ પરીખ તથા સોનલ દરજીના માર્ગદર્શન અને સૂચના મુજબ યોજાયું હતું.