
ગોધરા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ એકમ દ્વારા તારીખ 26 જુલાઈ એટલે કે, કારગીલ વિજય દિવસની દેશભક્તિની ભાવના સાથે જોમ અને જુસ્સાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
કોલેજના સદાબા હોલ ખાતે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરૂણસિંહ સોલંકીએ ઉપસ્થિત યુવાનોને જણાવ્યું હતું કે, માભોમની રક્ષા કાજે તારીખ 26 જુલાઈ 1999 ના રોજ પાકિસ્તાનીઓ દ્વારા થયેલા હુમલામાં પંચમહાલ જીલ્લાના પનોતા પુત્ર શહેરા તાલુકાના ખટકપુર ગામના વીર ભલાભાઇ બારીયા શહીદ થયા હતા. તેમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યારે આપણને દુ:ખ સાથે ગૌરવ પણ થાય છે કે, તેમની શહાદતે આ દેશને બચાવી કારગિલની ટોચ પર તિરંગાને લહેરાતો રાખ્યો છે. આવા વીર સૈનિકોને આપણે આવા પ્રસંગે યાદ કરી એમને શ્રદ્ધાંજલિ આપીએ સાથે સાથે જરૂર પડે ત્યારે તમે સૌ યુવાનો આ દેશ માટે એક થાઓ અને આઝાદીનું રક્ષણ કરવા, આપણા દેશનું રક્ષણ કરવા કાજે શહિદ થવું હોય તો શહીદ બનવા પણ તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં ભાઈઓ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો પણ ઉપસ્થિત રહી હતી.