
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરામાં પ્રથમ વર્ષ બીકોમમાં પ્રવેશ મેળવેલા 200 ઉપરાંત વિદ્યાર્થીઓનો કોલેજ પ્રવેશોત્સવ કોલેજના આચાર્ય પ્રો. (ડો.) અરૂણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કોલેજના સદાબા હોલ ખાતે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાઈ ગયો જેમાં પ્રથમ વર્ષ બીકોમના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું કુમકુમ તિલક… ગુલાબનું ફૂલ અને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવી કોલેજમાં ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. અરૂણસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને આવકારી જીવનમાં ડિસિપ્લિન (શિસ્ત)નું શું મહત્વ છે તે સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો દ્વારા પ્રેરક ઉદબોધન કર્યું હતું. સાથે સાથે કોલેજના અન્ય સ્ટાફમાં ડો. સ્નેહાબેન વ્યાસ, ડો. વીણાબેન પટેલ ડો. પાયલબેન વ્યાસ અને પ્રોફેસર અજીતસિંહ ચૌહાણ સહિત અધ્યાપકશ્રીઓએ વિદ્યાર્થીઓને આવકારી જીવન માટે બહુમૂલ્ય ભાથુ પીરસ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ના વિદ્યાર્થીઓએ પોતાની રીતે આયોજન કરી ભવયાતીભવ્ય રીતે ઉજવ્યો હતો. ખાસ કરીને એનએસએસ લીડર હર્શિતા ખીમાણી અને તેમની ટીમે ખૂબ જ જહેમત ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાની એનએસએસ સલાહકાર સમિતિમાં સ્થાન મેળવવા બદલ કુ. હર્ષિતા ખીમાણીનું ટ્રોફી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.