કોમર્સ કોલેજ ગોધરા ખાતે એન્ટી રેગિંગ કાર્યક્રમ યોજાયો

ગોધરા, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના સીડબ્લ્યુડીસી તથા એનએસએસના સંયુક્ત ઉપક્રમે એન્ટી રેગિંગનો કાર્યક્રમ યોજાઈ ગયો. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં જે જૂના વિદ્યાર્થીઓ એટલે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને રેગિંગ કરી એમને માનસિક યાતનાઓ, ઘણીવાર શારીરિક પીડાઓ પણ આપતા હોય છે. જેના કારણે વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાગતો હોય છે અને ક્યારેક આપઘાત કરતા હોવાના પણ બનાવો બનવા પામતા હોય છે. આ બાબતે યુજીસી બહુ સ્પષ્ટ અને કડક વલણ ધરાવે છે અને રેગિંગ સંબંધી કડક જોગવાઈઓ કરેલી છે. ત્યારે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એન્ટિ રેગીંગ કમિટી દ્વારા આજરોજ વિદ્યાર્થીઓને રેગિંગ એટલે શું અને એન્ટીરેગિંગ એટલે શું? તે સમજાવી વિદ્યાર્થીઓને જણાવેલ કે, આ કોલેજની સ્થાપનાના 54 વર્ષ દરમિયાન ક્યારે પણ રેગિંગનો બનાવ બનેલો નથી. તે માટે એન્ટીરાગિંગ કમિટી, કોલેજનું સંચાલક મંડળ અને તમામ સમજુ વિદ્યાર્થીઓનો ખૂબ મોટો ફાળો છે. ત્યારે આવનારા સમયમાં પણ આપણે રેગિંગ અંગે જાગૃત રહી એક સારા વિદ્યાર્થી બનીએ તેવી શીખ આ કાર્યક્રમમાં અપાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રિંગિંગ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.