ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્ત્વની જાહેરાત કરવામાં આવશે. યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવાનો છે એ અંગેના આયોજન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન દ્વારા દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશ વ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપ સરકાર જે કહે છે તે કરે છે. વન નેશન વન ઇલેક્શન, આર્ટિકલ 370, ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચન આપ્યા હતા તે એક પછી એક પૂરા થયા છે. હવે સમાન નાગરિક ધારો અમલ કરવા માટે સંકલ્પ છે. ગુજરાત સંકલ્પ સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ છે.
રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધે છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા તથા કાયદા માટે નો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં કમિટી રચાશે. 5 સભ્યોની આ કમિટીમાં વરિષ્ઠ નિવૃત્ત આઈ.એ.એસ. સી એલ મીણા, આર સી કોડેકર, દક્ષેશ ઠાકર, ગીતાબેન શ્રોફનો સમાવેશ થાય છે. આ કમિટી તમામ પાસાનો અભ્યાસ કરીને 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે સરકાર નિર્ણય કરશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, તમામ વાયદા પૂરા કરવામાં આવી રહ્યા છે. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. એક જ નિયમોને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રંજનાબેન દેસાઈ ની નિમણૂક કરવા પાછળના કારણો અંગે જણાવ્યું હતું કે, તે ખૂબ અનુભવ ધરાવે છે. અનુભવના આધારે પસંદગી કરવામાં આવે છે. બહોળો અનુભવ છે અને સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે.
આદિવાસી અધિકારોને આ કાયદો અસર કરશે કે કેમ તે અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ સરકારનું યુસીસી મોડેલ અદભુત છે. આ મોડેલમાં આદિવાસી સમાજના હકને યુ.સી.સી કાયદામાં લાવવામાં આવ્યો નથી. ગૃહ મંત્રીએ પણ ઝારખંડની સભા દરમિયાન કહ્યું હતું કે, આદિવાસી સમાજના રિવાજ તથા કાયદાનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે.ગુજરાતમાં ધર્મના આધારે રહેણાંકનું વિભાજન (અશાંત ધારો) છે એ ઘટના આધારિત નક્કી કરવામાં આવે છે એટલે આ મુદ્દો સુસંગત નથી. 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી મુખ્યમંત્રી નિર્ણય કરશે અને વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવશે. એચ.યુ.એફ. નો પણ અલાયદો કાયદો છે. કોઈ એક સમાજ માટે આ કાયદો નથી. ધર્મ સાથે જોડાયેલા લોકોને પણ આ કમિટી મળશે. રિપોર્ટમાં તમામ રિવ્યૂ રજૂ કરવામાં આવશે.
UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો
- રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ)
- વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય)
- એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય)
- ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય)
- સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય)
જસ્ટિસ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ છે. તે 13 સપ્ટેમ્બર 2011થી 29 ઓક્ટોબર 2014 સુધી સુપ્રીમ કોર્ટમાં જજ હતા. તેમનો જન્મ 30 ઓક્ટોબર 1949ના રોજ થયો હતો. તેણે 1970માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક (B.A.) પૂર્ણ કર્યું અને પછી 1973માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાંથી બેચલર ઑફ લૉઝ (BA LLB)ની પરીક્ષા પાસ કરી. તે પછી તેણે વકિલાત શરૂ કરી.જસ્ટિસ રંજના દેસાઈ જમ્મુ અને કાશ્મીર પરના સીમાંકન આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 70ના દાયકામાં પ્રેક્ટિસ શરૂ કરનારા જસ્ટિસ દેસાઈ સુપ્રીમ કોર્ટ પહેલા બોમ્બે હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે.
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું?
દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.
પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.
દેશનાં ભાજપશાસિત રાજ્યો યુસીસી બિલ લાવી શકે છે
આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશનાં ઘણાં ભાજપશાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ બિલમાં 400થી વધુ જોગવાઈઓ છે. લગ્નથી લઈને લિવ-ઇન-રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે, જોકે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈઓને લઈને વિવાદ થઈ શકે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે આ કાયદો મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. જો આનો અમલ થશે તો મુસલમાનોના ઘણા અધિકારો જતા રહેશે. ઉદાહરણ તરીકે, કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો કોઈ અધિકાર રહેશે નહીં. શરિયત મુજબ મિલકતની વહેંચણી થશે નહીં.