કોલેજિયમ દ્વારા ફરી નામ મોકલાય ત્યારે સર્વસંમતિથી મોકલો : પૂર્વ સીજેઆઇ લલિત

નવીદિલ્હી,

કોલેજિયમ મામલે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે મતભેદોનો સિલસિલો ચાલુ રહ્યો છે ત્યારે પૂર્વ સીજેઆઇ યુ યુ લલિતે મહત્ત્વનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી પહેલીવખતની ભલામણમાં સર્વસંમતિની જરૂર નથી. તેને બહુમતી હોય તો પણ મોકલી શકાય. પરંતુ જો કોઈ નામને ફરીથી બીજી વખત મોકલવામાં આવે તો તેમાં સર્વસંમતિ જરૂરી છે.

નિવૃત સીજેઆઇને ૧૧મીએ એવો પ્રશ્ર્ન પુછાયો હતો કે શું કોલેજિયમ સિસ્ટમ બદલવી જોઈએ કે નહીં ત્યારે તેમણે આ પ્રશ્ર્ન ફગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રશ્ર્નનો જવાબ આસાન નથી. જો તમે કારણો જાણવા માંગતા હશો તે વધુ ૧૦ મિનિટ લાગશે.

જજિસ પર સરકારનું દબાણ છે કે કેમ તેવા પ્રશ્ર્નનાં જવાબમાં લલિતે કહ્યું કે ચીફ જસ્ટિસ તરીકેનાં કાર્યકાળમાં ક્યારેય સરકાર દ્વારા દબાણ અનુભવાયું નથી. ચીફ જસ્ટિસ તરીકે જજ ઉપરાંત કેટલીક વિશેષાધિકારો હોય છે જેમાં બેન્ચોની રચના કરવી, કેસોની સોંપણી કરવી, કેસોની તારીખો નક્કી કરવી જેવા કાર્યોનો સમાવેશ થાય છે.