
દાહોદ,
વડાપ્રધાનના આહ્વાન મુજબ ગામ દીઠ 75 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના આયોજન અને કામગીરીની સમીક્ષા માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને પરબ પ્રાકૃતિક કૃષિ ફાર્મ (ચાંદાવાડા), ચીલાકોટા રોડ, જેસાવાડા ખાતે બેઠક તેમજ વૈજ્ઞાનિક ગોષ્ઠી યોજવામાં આવી હતી. આ ગોષ્ઠીમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠીમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ પ્રાકૃતિક કૃષિએ ખેડૂતો માટે પ્રગતિની નવી ક્ષિતિજો ઉઘાડી શકે છે. તેમ જણાવતા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. અહીં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કેવીકે અને આત્મા યોજનાના અધિકારીઓને કરેલ કામગીરીનુ રીવ્યુ તેમજ આગામી સમયમાં ગામ દીઠ 75 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમજ મોટી સખ્યામાં હાજર રહેલ તમામ તાલુકામાંથી સંયોજક, સહ સંયોજક અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને ફાર્મની મુલાકાત કરી આવનાર સમયમાં તમામ ખેડુતો પ્રાકૃતિક ખેતીના તમામ આયામોના ઉપયોગ થકી રાસાયણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વવાન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતીના ફાર્મની મુલાકાત કરી દરેક તાલુકામાંથી વધુમાં વધુ ખેડુતો મુલાકાત કરે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટેની સૂચના અપાઇ હતી.