કલેક્ટરની અધ્યક્ષતામાં આઇસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ

દાહોદ,જીલ્લા સેવા સદન દાહોદ ખાતે આવેલા સભાખંડમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આઇસીડીએસ વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં જીલ્લા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસરએ જીલ્લામાં પોષણની વિવિધ યોજનાઓ વિશે વિગતે માહિતી આપી હતી. કલેક્ટરએ જીલ્લામાં માતાઓ-બાળકોના પોષણસ્તરમાં સુધારો લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું કે, આંગણવાડી ખાતે પાયાની તેમજ નાની નાની સુવિધાઓ હોવી ખૂબ જરૂરી છે. આંગણવાડી સારી રીતે પેઇન્ટ કરાવીને આકર્ષક બનાવવામાં આવી હોય તેમજ બાળકો માટે સારી રમત ગમતની પણ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવી બાબતો પણ ખૂબ અસર કરતી હોય છે. તેમણે જણાવ્યું કે, આંગણવાડી ખાતે પોતાનું મકાન છે કે કેમ તેમજ વીજળી, પીવાના પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓની યોગ્ય ચકાસણી જરૂરી છે. અહીં આવતા માતા બાળકોને પોષણની યોગ્ય સમજ આપવી જોઇએ. તેમજ આંગણવાડી ખાતે ન્યુટ્રીશયન ગાર્ડન વિકસાવવા માટે પણ તેમણે જણાવ્યું હતું.

જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે જણાવ્યું કે, વર્ગ 1-2 ના અધિકારીઓએ આંગણવાડીની પોતાની મુલાકાતમાં ચેક લીસ્ટ ઉપરાંત બાળકોના વજન અને હાઇટની પણ રૂબરૂ ચકાસણી કરી લેવી જોઇએ. જેથી બાળકોના પોષણ બાબતે સાચું ચિત્ર સપષ્ટ થઇ શકે. ઉપરાંત આંગણવાડી ખાતે પાયાની સુવિધાઓ પાણી, વીજળી સહિતની બાબતોની પણ યોગ્ય રીતે તપાસ કરી લેવાની રહેશે.

બેઠકમાં પ્રાંત અધિકારીઓ, જીલ્લા પુરવઠા અધિકારી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.