રાજકોટ, રાજકોટ જિલ્લામાં રેશનિંગના ૧૦ વેપારીઓ દ્વારા આચરવામાં આવેલા બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં ૧૦ વેપારીઓને કુલ ૪૧ લાખનો દંડ ફટકારાયો આવ્યો. બોગસ ફિંગર પ્રિન્ટ મામલે જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી છે.કૌભાંડમાં રાજકોટ શહેર અને જિલ્લાના ૨૦ વેપારીઓના નામ ખુલ્યા હતા. કલેકટર દ્વારા અપીલ નો કેસ ચલાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. જે વેપારીઓને દંડ ફટકારાયો છે તેમાં રાજકોટ શહેર સહિત જિલ્લાના સસ્તા અનાજ કરીયાણાના વેપારીઓ સામેલ છે.
હાલ આવા વેપારીઓ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે.જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કેસ ચલાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ દુકાનદારો સામે સાયબર ક્રાઈમમાં પણ અગાઉ ફરિયાદો થઈ હતી. જિલ્લાના પુરવઠા અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે બોગસ ફિંગરપ્રિન્ટ દ્વારા અનેક સસ્તા અનાજ ની દુકાનમાં જે ગેરરીતિ ચાલતી હતી તેના ભાગરૂપે અગાવ જે કાર્યવાહી થઇ હતી તે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.ભવિષ્યમાં સસ્તા અનાજ કર્યાણાના જે દુકાનદારો આવી ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલ જોવા મળશે તો પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાશે.