કલેકટર કચેરી, દાહોદ ખાતે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

  • આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગેની સમગ્રતયા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી.

દાહોદ કલેકટર કચેરી સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન આરોગ્યને ધ્યાને રાખી સમાજના વાસ્તવિક ચિત્રને સામે લઇ આરોગ્ય વિભાગ દ્વારા અપાતી આરોગ્યની સુવિધાઓ અંગેની તમામ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સમીક્ષા સહ ચર્ચા કરવામાં આવી હતી.

તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવી, સિકલસેલ જેવા રોગો અંગેની બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે એ માટે વિડીયો બતાવી અત્યારથી જ જાગૃત કરવા માટેના કાર્યક્રમો કરવા તેમજ આયુષ્યમાન કાર્ડ થકી લોકોને સારવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવાની સાથે આર.કે.એસ.કે., આર.બી.એસ કે., મહિલા અને બાળ વિકાસ યોજના જેવી યોજનાઓ સંબંધિત વિભાગો દ્વારા કરાતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટેની સબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

આંગણવાડીઓ, શાળાઓ, શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને ધ્યાને રાખી પાણીજન્ય રોગોને અટકાવવા માટે પીવાના પાણીની ચોકસાઈ તેમજ અન્ય રોગો અંગેની લોકોમાં જાગૃતિ આવે, તેઓ પોતાના આરોગ્ય અંગેની જાતે ચિંતા કરી ચકાસણી કરવા સહયોગ આપે એ માટેની સુનિશ્ચિતતા કરવા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ યોજના, મિશન શક્તિ યોજના, બેટી બચાવો – બેટી પઢાવો યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોષણ ટ્રેકર, દૂધ સંજીવની યોજના, પૂરક પોષણ યોજના તેમજ પોષણ સુધા યોજના જેવી મહિલાઓ અને કિશોરીઓ સંબંધિત યોજનાઓની કામગીરીની પણ આંકડાકીય માહિતી સહિત સમીક્ષા કરવામાં આવી હતી.

આ મિટિંગ દરમ્યાન જીલ્લા આયોજન અધિકારી બી.એમ.પટેલ, અધિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા યાદવ, જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, જીલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારીયા, મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી તેમજ સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.