દાહોદ,દાહોદ જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજે 19 જેટલા અરજદારોના પ્રશ્ર્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સનદ કાયદેસરની કરવા, રેવન્યુ રેકર્ડ નામો દાખલ કરવા, જમીનનો મૂળ રેકર્ડ નકશો કરવા બાબત, માપણી શીટની નકલ માટે, રી સર્વે રેકર્ડમાં પ્રમોલગેશન બાદ ભુલ સુધારવા બાબત, જમીનના નકશા સુધારવા બાબત, પાકા રસ્તા બાબત, નવો રસ્તો મંજૂર કરવા બાબત જેવા પ્રશ્ર્નોની રજૂઆત અરજદારોએ કલેક્ટર સમક્ષ કરી હતી.
કલેક્ટરએ આ પ્રશ્ર્ન સંબધે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી અને અરજદારોના પ્રશ્ર્નોનો સકારાત્મક ઉકેલ આપ્યો હતો. ઘણાં અરજદારોના પ્રશ્ર્ન લાંબા સમયથી પેન્ડિંગ હોય તેનો પણ આજે સકારાત્મક નિકાલ આવતા તેઓ ખુશ થઇ ગયા હતા અને સ્વાગત કાર્યક્રમના આયોજન બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
દૂર છેવાડાના ગામડામાં રહેતો અદનો નાગરિક પોતાની સમસ્યા કોને, ક્યાં કહે તો તેના પ્રશ્ર્નનું નિરાકરણ આવશે એવી મુઝવણ હંમેશા અનુભવતો હોય છે. ન્યાય માટે ઝંખના કરતા નાગરિકના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા ગુજરાતના તત્કાલિન દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003 માં નાગરિકોના પ્રશ્ર્નોના સીધા ઉકેલ માટે SWAGAT ( State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમ છેલ્લા બે દાયકાથી અવિરત નાગરિકોની સમસ્યાના ઉકેલનું સરનામુ બન્યો છે. ત્યારે જિલ્લામાં સ્વાગત કાર્યક્રમની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં અરજદારોના પ્રશ્ર્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.