
ખેડા, ખેડા જીલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તા.28/12/2023ના રોજ જીલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે (જીલ્લા લોક ફરિયાદ નિવારણ) જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કુલ 11 પ્રશ્ર્નોની રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કલેક્ટર કે.એલ. બચાણીએ ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્ર્નો અને સંબધિત અધિકારી દ્વારા આ પ્રશ્ર્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને સરકારના સર્વિસ લેવલ અગ્રીમેન્ટ (SLA) મુજબ નિશ્ચિત સમયગાળામાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જીલ્લા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમની આ બેઠકમાં માધ્યમિક શાળાનું મકાન બનાવવા, ગટરલાઈન-પેવર બ્લોક, ગટરની ગંદકી દુર કરવા, નર્સિંગ સ્કુલના બાંધકામ બાબતે, પીએમઆવાસ યોજના હપ્તા મેળવવા, જમીન સર્વે, ક્ષતિ સુધારણા હુકમ બાબતે, સાસરી પક્ષ તરફથી ત્રાસ અંગે, મુખ્યમંત્રી સડક યોજના, હેઝાક્લીન બાયોમેડીકલ વેસ્ટ યુનીટ અને ગેરકાયદેસર દબાણ દુર કરવા સહુતના કુલ 11 પ્રશ્ર્નોની રજૂઆત સાંભળી જરૂરી કાર્યવાહી કરવા સંબધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત જીલ્લા કલેક્ટરએ વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને જાહેર રોડ-રસ્તા અને સંભવિત કોવિડ સમસ્યા માટે સતર્ક રહેવા સંબધિત વિભાગોને સુચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર ભરત જોશી, સહિત સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.