
ભોપાલ,
મધ્યપ્રદેશની શિવરાજ સરકારે દારૂને લઈને મોટો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં દારૂના વપરાશને ઘટાડવા માટે, શિવરાજ કેબિનેટે રાજ્યમાં ચાલતા તમામ બાર બંધ કરવા, દારૂની દુકાન પર બેસીને દારૂ પીવાની સુવિધાને સમાપ્ત કરવા અને માત્ર દારૂની દુકાને જથ્થાબંધ વેચવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, “શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓથી દારૂની દુકાનોનું અંતર પણ ૫૦થી વધારીને ૧૦૦ મીટર કરવામાં આવ્યું છે. આ સાથે દારૂ પીને વાહન ચલાવનારાઓ પર પણ કડકાઈ વધારવામાં આવશે. મધ્યપ્રદેશમાં હવે દારૂ પીને વાહન ચલાવનારાઓનું લાઇસન્સ રદ થશે.
નરોત્તમ મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે “મધ્યપ્રદેશના લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળા રસ્તાઓ આપવાનો નિર્ણય કરીને રાજ્ય સરકારના જાહેર બાંધકામ વિભાગને ?૪,૧૬૦ કરોડની વધારાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ સાથે, લગભગ ૮,૧૭૧ કિલોમીટરના રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવશે. આ સિવાય ગ્વાલિયર જિલ્લામાં ગ્વાલિયર ગ્રામીણ નામથી એક નવો તહસીલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.