મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ રક્ષાબંધનની ભવ્ય રીતે ઉજવણી થઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનેક બહેનોએ રક્ષા સૂત્ર બાંયુ હતુ. આ તમામ બહેનોએ પોતાના ભાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રક્ષાબંધનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી. અનેક બહેનો મુખ્યમંત્રી નિવાસસ્થાને વહેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી. તો મુખ્યમંત્રીએ પણ સૌ કોઇને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા નેતાઓએ પણ મુખ્યમંત્રીને રક્ષા સુત્ર બાંયુ હતુ.
રક્ષાબંધન એટલે ભાઇ અને બહેનના હેતનું પવિત્ર બંધન. વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાની બહેનની કમી ન લાગે તે માટે ધાનેરાની કોલેજની વિદ્યાથનીઓએ તેમની બહેન બની તેમને રાખડી બાંધી છે. ધાનેરાની સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ૧૨૦ જેટલી વિદ્યાર્થીની નડાબેટમાં આવેલા ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી અને બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
વિદ્યાથનીઓએ દેશનું રક્ષણ કરતા જવાનોને તિલક કરી તેમના કાંડે રક્ષા કવચ બાંધી હતી, તેમજ મોઢું મીઠું કરાવી દેશની રક્ષા કરવાના આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓને દેશના જવાનોને રાખડી બાંધવાની તક મળી. જેના કારણે વિદ્યાથનીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી.
પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો તો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શક્તા. આથી કોલેજની વિદ્યાથનીઓએ તેમની નાની બહેન બની રાખડી બાંધવાની ફરજ અદા કરી. આ પ્રસંગે જવાનો પણ ભાવવિભોર થઇ ગયા હતા.