મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમનું માનવું છે કે બાકી રકમ વસૂલવા માટે તેમણે કેન્દ્ર વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું હતું તે પાટા પરથી ઉતરી ગયું છે. દુર્ગા પૂજા પહેલા અભિષેક બેનર્જી આ આંદોલનને વેગ આપવા માટે રસ્તા પર ઉતર્યા હતા. યોજના એવી હતી કે પૂજા બાદ આંદોલનને વધુ વિસ્તારવામાં આવશે. જો કે આવું ન બન્યું. તેથી અભિષેક બેનર્જી પાર્ટી નેતૃત્વથી નારાજ છે અને તેઓ 2024ની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તૈયાર નથી.

દુર્ગા પૂજા બાદ અભિષેક બેનર્જીએ કેન્દ્ર પાસેથી બાકી રકમની વસૂલાત માટે આંદોલનને વધુ તેજ કરવાની ઘોષણા કરી હતી પરંતુ નેતાઓએ આંદોલનને જમીની સ્તરે આગળ ન ધપાવ્યું. તેમને આ માટે કોઈ પ્રોગ્રામ ન મળ્યો. વિવિધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બેનર્જી પાર્ટી નેતાઓના એક જૂથની આ હરકતથી નારાજ છે. અહેવાલમાં તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનો હવાલો આપતા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિષેક બેનર્જી લોકસભા ચૂંટણીમાં ખુદને પોતાના મતવિસ્તાર સુધી જ મર્યાદિત રાખવા માંગે છે. તેઓ બંગાળની બાકીની 41 બેઠકોની ચિંતા કરવા તૈયાર નથી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અભિષેક બેનર્જીએ દિલ્હી જઈને આ આંદોલનનું આયોજન કર્યું હતું. કોલકાતા પરત ફર્યા બાદ પણ તેમણે આ માટે હંગામો મચાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક બેનર્જી નેતૃત્વથી નારાજ છે.