મુખ્યમંત્રી ગેહલોતે ક્લાસીસ સંચાલકોની ’ક્લાસ’ લગાવી: વિદ્યાર્થીઓને મરતા નથી જોઈ શક્તો

જયપુર, રાજસ્થાનના કોટામાં ડોક્ટર-એન્જિનિયર બનવાનું સપનું લઈને આવેલા ૨૧ બાળકોએ ૮ મહિનામાં આત્મહત્યા કરી લીધી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જે દરમિયાન તેમણે ટ્યુશન સંચાલકોને ઠપકો પણ આપ્યો હતો. સીએમ ગેહલોતે અધિકારીઓને તેમને રોકવા માટે સૂચનો આપવા માટે એક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો.

ગેહલોતે જણાવ્યું હતું કે સમિતિમાં ટ્યુશન સંસ્થાઓના પ્રતિનિધિઓ, માતાપિતા અને ડોકટરો સહિત તમામ હિતધારકોનો સમાવેશ કરવામાં આવશે અને તે ૧૫ દિવસમાં તેનો રિપોર્ટ સુપરત કરશે. કોચિંગ હબ કોટામાં આઇઆઇટી અને નીટ ઉમેદવારોમાં આત્મહત્યાના કેસોની સમીક્ષા બેઠકમાં બોલતા, મુખ્યમંત્રી ગેહલોતે ધોરણ ૯ અને ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરના બોજનો ઉલ્લેખ કર્યો.

કોટામાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ પર, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈ કાલે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સાથેની બેઠકમાં કહ્યું હતું કે ’હું કોટામાં હવે બાળકોને મરતા જોઈ શક્તો નથી, હવે સિસ્ટમમાં સુધારો કરો’. ૯ પાસ બાળકોને ત્યાં સ્કૂલમાં એડમિશન બતાવવામાં આવે છે, ડમી ક્લાસ ચાલે છે, બાળક સ્કૂલ અને કોચિંગ બંને એક્સાથે કરે છે, જો તે આઈઆઈટીયન બની જાય તો બાળક ભગવાન તો નથી બની ગયો?

ગેહલોતે કહ્યું કે કોચિંગ સંસ્થાઓમાં ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓની નોંધણી તેમના પર વધારાનો બોજ નાખે છે કારણ કે તેઓએ બોર્ડની પરીક્ષાઓ પણ આપવી પડે છે. તેણે કહ્યું, તમે ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને બોલાવો. તમે એક રીતે ગુનો કરી રહ્યા છો. જાણે આઈઆઈટી ભગવાન છે. કોચિંગમાં આવતાં જ વિદ્યાર્થીઓને નકલી શાળાઓમાં દાખલ કરવામાં આવે છે.

ગેહલોતે કહ્યું કે, વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં નોંધાયેલા છે અને તેઓ શાળાએ જતા નથી. તેમના પર બોર્ડની પરીક્ષા પાસ કરવાનો અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવાનો બેવડો બોજ છે. ગેહલોતે કહ્યું કે વિદ્યાર્થીઓએ ૬ કલાકના કોચિંગ ક્લાસમાં હાજરી આપવી પડશે. પછી વધારાના વર્ગો અને સાપ્તાહિક પરીક્ષણો આપવા પડશે. આપણે યુવાન વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા જોઈ શક્તા નથી.

આત્મહત્યા કરનાર ૨૧ માંથી ૧૪ છાત્રો એલન કોચિંગ સંસ્થાનાં.

મુખ્યમંત્રીએ પૂછ્યું કે શહેરમાં સૌથી વધુ આત્મહત્યા કરવાનાં મામલે એલન કોચિંગ સંસ્થામાંથી કેમ હતા. જ્યારે જણાવવામાં આવ્યું કે આ વર્ષે કોટામાં આત્મહત્યાથી મોત નિપજવા મામલે ૨૧ છાત્રોમાંથી ૧૪ છાત્રા આ સંસ્થાનાં હતા. મુખ્યમંત્રીને એ પણ જણાવ્યું કે એલન ઈન્સ્ટિટ્યુટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.

સંસ્થાનાં એક પ્રતિનિધિએ બેઠક દરમ્યાન જણાવ્યું કે કોચિંગ સંસ્થામાં ધો. ૯ કે ૧૦ નાં વિદ્યાર્થીઓને બોલાવતા નથી. પરંતું શિક્ષણ વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે માતા-પિતા પોતાનાં બાળકો માટે સારો વિકલ્પ શોધે છે. આ બાબતે ગેહલોતે કહ્યું કે તે કોઈ ખાસ સંસ્થાને નિશાન નથી બનાવી રહ્યા. પરંતું તે એ જાણવા માંગે છે કે સંસ્થામાં સૌથી વધુ આત્મહત્યા કેમ થાય છે?