કેરળમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન વચ્ચેની લડાઈ જૂની છે અને બંનેએ એકબીજા પર જાહેરમાં અનેકવાર પ્રહારો કર્યા છે ત્યારે ગઈકાલે આરિફ મોહમ્મદ ખાને મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર શારીરિક રીતે નુકસાન પહોંચાડવા માટે ‘ષડયંત્ર’ રચવાનો આરોપ મૂક્યો હતો.
કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને આ આક્ષેપો ત્યારે લગાવ્યા હતા જ્યારે તેઓ દિલ્હી માટે તિરુવનંતપુરમ એરપોર્ટ પર જઈ રહ્યા હતા, તે દરમિયાન શાસક CPI(M)ના વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા (SFI)ના કેટલાક કાર્યકરોએ કથિત રીતે તેમના વાહનને ટક્કર મારી હતી. વાહન અથડામણની ઘટના બાદ તરત જ રાજ્યપાલ આરિફ મોહમ્મદ પોતાની કારમાંથી બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરતા સીએમ પિનરાઈ વિજયન પર તેમને મારવા માટે ગુંડાઓને મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાથી કેરળમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
ગવર્નર આરિફ મોહમ્મદ ખાને ગઈકાલે ગુસ્સે થઈને મીડિયાને સંબોધતા કહ્યું કે તેમને શારીરિક નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતલબ કે મુખ્યમંત્રી વિજયન આમાં સામેલ છે. તેણે કહ્યું કે આ ઘટના કોઈ અકસ્માત નથી પરંતુ તેને અંગત રીતે નિશાન બનાવીને ઇરાદાપૂર્વકનું કરેલું કૃત્ય હતું. આ ઉપરાંત ગવર્નર આરિફ ખાને કહ્યું કે શું એ શક્ય છે કે જો મુખ્યમંત્રીનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો ત્યાં પ્રદર્શનકારીઓને લઈ જતી ગાડીઓને ત્યાં જવા દેવામાં આવે? શું પોલીસ કોઈને મુખ્યમંત્રીની કાર પાસે આવવા દેશે? તેમણે વધુમાં કહ્યું હતું કે હુમલો કર્યા બાદ હું મારી કારમાંથી નીચે ઉતર્યો હતો. તો પછી તેઓ ભાગ્યા કેમ? અને તેઓ બધા એક જ કારમાં બેઠા હતા પોલીસને ખબર હતી કે આનો અર્થ શું છે પરંતુ જ્યારે મુખ્યમંત્રી તેઓને સૂચના આપી રહ્યા હોય ત્યારે પોલીસ શું કરે ?