મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને ૬૪૧ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી

અમદાવાદ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ શહેરને ૬૪૧ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. મુખ્યમંત્રીએ પાલડી જલારામ મંદિર પાસે અંડરપાસનું લોકાર્પણ કર્યુ છે. અંડરપાસના લોકાર્પણથી પાલડીથી લૉ-ગાર્ડન જતા રસ્તા પર ટ્રાફિકથી રાહત મળશે. નવનિર્મિત અંડર પાસને ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ નામ અપાયું છે.

અમદાવાદના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાને આજે ૧૨૮ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ છે. ૧૧૬ કરોડથી વધુના દુકાન અને આવાસોનો ડ્રો, ૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સિનિયર સિટિઝન પાર્ક, પ્લે ગ્રાઉન્ડ, આંગણવાડી અને પ્રાથમિક શાળાઓનું પણ લોકાર્પણ કરાયું.

૨૫૬ કરોડના ખર્ચે રસ્તાઓ બનાવવાના અને રિસર્ફેસ કરવાના કામો. ૨૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસ યોજના, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ સિસ્ટમ અને અર્બન સેન્ટરનાં કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. કાર્યક્રમમાં ૪૦૦કમળનો હાર પહેરાવી CM નું સ્વાગત કરાયું હતું.