મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને આજે તિરંગો લગાવ્યો. મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને થી આજથી ૧૫ ઓગસ્ટ સુધી શરૂ થતા તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. મહત્વનું છે કે હવે થોડા જ દિવસોમાં આપણા સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આઝાદીની મહત્તાને લઈને લોકોમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવા આ વર્ષે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવ્યું છે.

દેશમાં આજથી ૧૫મી ઓગષ્ટ સુધી હર ઘર તિંરગા અભિયાન યોજાશે. આ અભિયાનમાં સામાન્ય માણસથી લઈને કલાકારો, રમતવીરો અને રાજનેતાઓ પણ જોડાશે. આ અભિયાન અંતર્ગત અંદાજે ૪૦થી ૫૦ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૮મી ઓગસ્ટ, ગુરુવારે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ચાર મુખ્ય શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ વર્ષે હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા રેલી, ત્રિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી તેમજ તિરંગા મેલા જેવા બહુવિધ કાર્યક્રમો રાજ્યમાં યોજાવાના છે. આ હર ઘર તિરંગા અભિયાન ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે જન જનમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને દેશદાઝ જગાવનારું રાષ્ટ્ર ચેતના અભિયાન બને તેવી નેમ રાખવામાં આવી છે.