- ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડૉક્ટર હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વરણી કરવામાં આવી.
ગાંધીનગર,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓની વરણી કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડૉક્ટર હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે વરણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ વરણી કરી છે.
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની વરણી કરવામાં આવી છે. તેઓ ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપીને ૩૦ નવેમ્બર ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા.
તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવસટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવસટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.
ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ ગ્રેજ્યૂએટ ડિગ્રી હાંસલ છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવસટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં થયા છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં જીએસટીના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૮માં તેમની નિવૃત્તિ પર અરુણ જેટલી, ભારતના તાત્કાલીન નાણાં મંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી.સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેમણે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી છે અને વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.
ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિક્સાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડલ છે. ગુજરાતના ‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે પણ રાઠૌર જાણીતા છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. (જુલાઇ ૨૦૧૯થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-૧નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની વરણી કરવામાં આવી છે.