અમદાવાદ,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાની બધી જ ગાડીઓમાં બદલાવ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલામાં હવે સ્કોરપિઓની જગ્યાએ ફોર્ચ્યુનર ગાડીઓ લાવવામાં આવી છે. સૌથી પહેલા મુખ્યમંત્રીની એકની જ ફોર્ચ્યુનર ગાડી લાવવામાં આવી હતી. જો કે હવે સીએમની ગાડી સાથે બાકીના કાફલાની બધી જ ગાડીઓ ફોર્ચ્યુનર લાવી દેવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથેનો કાફલો હવેથી મોંઘીદાટ કારમાં ફરતો જોવા મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાની તમામ કાર ફોર્ચ્યુનર કરી દેવામાં આવી છે. લગભગ ૩૩ લાખ રુપિયાની કિંમત ધરાવતી ગાડીઓ મુખ્યમંત્રીના કાફલામાં ઉમેરવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રીના કાફલામાં એકમાત્ર જામર ગાડી scorpio રાખવામાં આવી છે. જો કે આ ગાડી પણ થોડા દિવસમાં બદલાય એવી સંભાવના છે.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે મુખ્યમંત્રીના કાફલામાં કોન્ટેસા કારનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો કે બાદમાં સલામતીને ધ્યાનમાં લઇને કાફલામાં આ કાર બદલી સ્કોપયો શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી ગુજરાતના તમામ મુખ્યમંત્રી કાફલામાં સ્કોપયો કારનો જ ઉપયોગ કરતા આવ્યા છે. પછી તે આનંદીબેન પટેલ હોય કે પછી વિજય રૂપાણી કે પછી ભૂપેન્દ્ર પટેલ, તે તમામ સ્કોપયો કારનો જ ઉપયોગ કરતા હતા.
ગૃહ વિભાગે સીએમ કોન્વોયમાં બદલાતી ટેકનોલોજી અને સલામતીના કારણોસર ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યો છે. મુખ્યમંત્રીના કાફલામાં સામાન્ય રીતે ૬ જેટલી ગાડી હોય છે. ઇમરજન્સી ઉપયોગ માટે સ્ટેન્ડ બાય કાફલામાં અન્ય ૬ ગાડીને રાખવામાં આવે છે. મુખ્યમંત્રીની આ તમામ કારને બુલેટપ્રુફ, જીપીએસ તથા અન્ય સુરક્ષા સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.