
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. સીએમ બન્યા બાદ દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુની વડાપ્રધાન મોદી સાથે આ પ્રથમ મુલાકાત છે. બંનેની મુલાકાત લગભગ ૪૫ મિનિટ સુધી ચાલી હતી. ટીડીપીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આંધ્ર પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વાત કરી.
ચંદ્રાબાબુએ પીએમ સાથે રાજ્યની રાજધાની અમરાવતીના વિકાસ અને અન્ય પડતર કામોને ઝડપી બનાવવા, રાજ્યની સિંચાઈ યોજનાઓ માટે ડેમ, રાજ્યની એકંદર નાણાકીય સ્થિતિ અને કેન્દ્ર સરકાર પાસેથી અપેક્ષિત સહાયના મુદ્દા પર ચર્ચા કરી. વડાપ્રધાનને મળ્યા પહેલા નાયડુ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને પણ મળ્યા હતા.
ચંદ્રબાબુ નાયડુ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને શહેરી વિકાસ પ્રધાન મનોહર લાલને મળ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ તેમની બે દિવસીય દિલ્હી મુલાકાત દરમિયાન આવતીકાલે એટલે કે શુક્રવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, શિવરાજ સિંહ સહિત કુલ ૧૦ કેન્દ્રીય મંત્રીઓને મળશે.
આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીને મોટી જીત મળી હતી. ૧૭૫ સીટોમાંથી ટીડીપીએ ૧૩૫ સીટો પર વિજય મેળવ્યો હતો. તે જ સમયે પવન કલ્યાણની પાર્ટી જેએનપીને ૨૧ બેઠકો મળી હતી. આ સિવાય વાયએસઆરસીપીએ ૧૧ અને ભાજપે ૮ સીટો જીતી હતી. રાજ્યમાં જેએનપી અને ભાજપની ગઠબંધનની સરકાર છે.
ચંદ્રબાબુ નાયડુએ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ૧૨ જૂને ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે જ સમયે, જો આપણે લોક્સભાની વાત કરીએ તો આ ચૂંટણીમાં પણ ટીડીપીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.ટીડીપીના બળ પર એનડીએએ કેન્દ્રમાં સરકાર બનાવી. લોક્સભા ચૂંટણીમાં ટીડીપીને ૨૫માંથી ૧૬ બેઠકો મળી હતી. ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી.