સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસની બાળકીને ત્યજી નિષ્ઠુર માતા થઈ ફરાર

રાજકોટ, રાજકોટમાં મધર્સ ડે નિમિતે કરૂણ ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલનાં બાળ વિભાગમાં અનામી પારણામાં ત્રણ દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી દેવામાં આવી છે. અજાણી મહિલા બાળકી ત્યજી ભાગી છૂટી હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ શહેરમાં આજે માતાના અલગ અલગ બે સ્વરૂપ જોવા મળ્યા. એક માતાએ પોતાના પાંચ અંગોનું દાન કરીને પાંચ જિંદગી બચાવી છે. તો બીજી તરફ એક માતાની કુખે જન્મેલી બાળકીને છોડી દેવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેટી શેઠ બાળકોની હોસ્પિટલમાં બાળકીને તરછોડી દેવામાં આવી હતી. બાળકીનો જન્મ થોડા સમય પહેલા જ થયો હોવાનું દેખાઈ આવે છે. આ બાળકીને સિવિલની બાળકોની હોસ્પિટલમાં અનામી પારણામાં તરછોડી દેવા આવી હતી.

આ ઘટના અંગે સ્થાનિક સિક્યુરિટીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા હતા અને તેમને આ અનામી પારણામાં પોતાની બાળકીને મૂકી દીધી હતી અને બાદમાં જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ કેટી શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટર નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની ભાવના જાગી હતી, તો બાળકીના માતા પિતા પ્રત્યે ધૃણાની લાગણી પણ લોકોમાં જોવા મળતી હતી. સૌ કોઈ બાળકીને લઈને ચિંતા જોવા મળ્યા હતા.