
મુંબઇ, હિટ ટીવી શો સીઆઇડીમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા દિનેશ ફડનીસને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. ફ્રેડરિક્સના પાત્ર સાથે અભિનેતા ઘરગથ્થુ નામ બની ગયો. તે લગભગ ૨૦ વર્ષથી સીઆઈડી શોનો ભાગ છે.
સ્ક્રીનથી દૂર હોવા છતાં, ૫૭ વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર સક્રિય હાજરી જાળવી રાખી હતી. તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારે ચાહકોને પણ ચોંકાવી દીધા છે. મળતી માહિતી મુજબ, અભિનેતાને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેની ત્યાં સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશની હાલત નાજુક હોવાનું કહેવાય છે કારણ કે તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને જીવનની લડાઈ લડી રહ્યો છે.
અહેવાલો અનુસાર, સીઆઈડીની આખી ટીમને ગઈકાલે રાત્રે દિનેશની હાલત વિશે જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ઘણા લોકો તેની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગત રાતની સરખામણીમાં આજે સવારે દિનેશની તબિયતમાં થોડો સુધારો થયો છે.