અમુલ દૂધના ભાવવધારાને લઈને કોંગ્રેસે જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થવાની સાથે ભાજપે અમુલ દૂધના ભાવમાં વધારો કરોને લોકોના પર મોંઘવારીનો માર માર્યો છે. કરોડો લોકો પર ભાવવધારાના લીધે અસર થશે. અમુલ દૂધના ભાવમાં વધારો કરીને ભાજપે લોકોનો વિશ્ર્વાસઘાત કર્યો છે.
ભાજપ દર વર્ષે દૂધના ભાવમાં વધારો કરે છે. કોંગ્રેસ ભાજપે ઝીંકેલા આ ભાવવધારાની વસમી સ્થિતિમાં પ્રજાના પડખે છે. ભાજપ આવે છે, મોંઘવારીનો લોકોને માર આવે છે અને ભાવવધારો લઈ આવે છે, એમ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું.
મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપે સત્તા પર આવ્યા પછી દરેક ચીજવસ્તુના ભાવમાં કેટલો વધારો કરી દીધો છે તે જુઓ. ગેસના બાટલાનો ભાવ વર્ષમાં બમણો થઈ ગયો છે. લોકોને નોકરીઓના ફાંફા છે ત્યારે ભાજપ રીતસરની લૂંટ ચલાવે છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપની લૂંટ ચાલુ છે ત્યારે હવે દૂધના ભાવમાં વધારો કરીને નાના બાળકોના મોઢામાંથી પીવાતા દૂધને પણ છીનવવાનો કારસો રચ્યો છે. તમે જ્યાં જ્યાં ભાજપની સરકાર રચાઈ તે દરેક રાજ્યોમાં જોજો, વીજળી, શાકભાજી, અનાજ, તેલ, ખાંડ, ઘી, ગોળ, મસાલા બધુ મોંઘુ જ થઈ ગયું છે.
ભાવવધારો જરૂરી પણ છે અને તે કરવો પણ પડે છે, પરંતુ આ વધારો કમરતોડ વધારો ન હોવો જોઈએ. આ તો છ મહિના થયા નથી કે દૂધના ભાવ વધાર્યા નથી. છ મહિના થયા નથી કે શાકભાજીના ભાવ વધ્યા નથી, માંડ પાંચ છ મહિના થયા નથી કે મસાલાના ભાવ વધ્યા નથી. આવું તે કંઈ હોતું હશે. કોઈ એવી ચીજ બતાવો જેમા ભાજપે કમરતોડ ભાવવધારો કર્યો ન હોય.