નવીદિલ્હી, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) એ ચૂંટણી વર્ષમાં રાજકોષીય અનુશાસન જાળવવા બદલ ભારતની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે.આઇએમએફના એશિયા અને પેસિફિક વિભાગના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા હાલમાં સારું પ્રદર્શન કરી રહી છે. ૬.૮ ટકાની વૃદ્ધિ ઘણી સારી છે. મોંઘવારી ઘટી રહી છે. આપણે સુનિશ્ર્ચિત કરવું પડશે કે ફુગાવો લક્ષ્યાંક સુધી નીચે લાવવામાં આવે.
તેમણે જણાવ્યું હતું કે, નાણાકીય શિસ્ત જાળવવી, ખાસ કરીને ચૂંટણીના વર્ષમાં, મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે ચૂંટણીના વર્ષોમાં દેશો નાણાકીય સાહસો શરૂ કરે છે. શ્રીનિવાસને કહ્યું કે આ સરકારે અનુશાસન જાળવી રાખ્યું છે. મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આખરે નક્કર ’મેક્રો ફંડામેન્ટલ્સ’ એ આધાર છે જેના આધારે દેશો સમૃદ્ધ થાય છે અને ટકાઉ વૃદ્ધિ હાંસલ કરે છે. તેથી તેની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે ભારતે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા આંચકાઓનો સામનો કર્યો છે અને સફળતાપૂર્વક તેને પાર કર્યો છે. તે વિશ્ર્વની સૌથી ઝડપથી વિક્સતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ઉભરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે હકીક્તમાં આ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અમે ખાનગી વપરાશ અને જાહેર રોકાણની આગેવાની હેઠળ ૬.૮ ટકા વૃદ્ધિ દરનો અંદાજ લગાવી રહ્યા છીએ. મોંઘવારી ધીમે ધીમે ઘટી રહી છે. તે હવે પાંચ ટકાથી નીચે છે. તેમણે કહ્યું કે આ વર્ષે અમે ૬.૮ ટકા આથક વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. ખાનગી વપરાશ અને પુષ્કળ જાહેર રોકાણ દ્વારા આ શક્ય બનશે. વૈશ્ર્વિક વૃદ્ધિમાં ભારત લગભગ ૧૭ ટકા યોગદાન આપશે. એટલા માટે અમે માનીએ છીએ કે આ એક ઉત્તમ સ્થાન છે.