જમ્મુ, એક તરફ લોક્સભાની ચૂંટણી યોજાઈ રહી છે તેવા સમયે, જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલ શનિવારે આતંકવાદની બે ઘટનાઓ સામે આવી છે. એક ઘટનામાં આતંકવાદી હુમલામાં જયપુરથી કાશ્મીર ફરવા આવેલ એક યુગલ ઘાયલ થયું છે. તો બીજી ઘટનામાં ભાજપના પૂર્વ સરપંચ એજાઝ અહેમદ શેખને ગોળી મારી દેવાઈ છે. શોપિયાં જિલ્લાના હુરપુરા ગામમાં ભાજપના પૂર્વ સરપંચ એજાઝ અહેમદ શેખને ઠાર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેને બચાવી શકાયા નહોતા.
ભાજપના પૂર્વ સરપંચના અવસાન બાદ તેમના પરિવારજનો અને પરિચિતોમાં શોકની લહેર જોવા મળી હતી. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જનાજાની નમાઝ બાદ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. એજાઝ અહેમદ શેખના મિત્ર વસીમ અહેમદે જણાવ્યું કે, જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘરે હતો. અહેમદે એમ પણ કહ્યું કે એજાઝ તેની સહાનુભૂતિ, દરેકની મદદ કરવા અને આ વિસ્તારના વિકાસ માટે કામ કરવા માટે જાણીતો હતો.
જમ્મુ કાશ્મીરમાં વર્ષો પછી કોઈ પ્રવાસી પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે. કાયદો અને વ્યવસ્થાથી સૌથી ખરાબ સ્થિતિમાં પણ કોઈ આતંકવાદીઓ બને ત્યા સુધી જમ્મુ કાશ્મીરના પ્રવાસે આવેલાને નિશાન બનાવતા નહોતા. ચૂંટણીના સમયમાં જયપુરથી આવેલ પ્રવાસી યુગલને નિશાન બનાવવામાં આતંકવાદીઓ કોઈ નવી મોડસ ઓપરેન્ડી અજમાવી રહ્યાં છે કે કેમ ? તે દિશામાં કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે.
એજાઝ અહેમદ શેખના મિત્રએ કહ્યું કે, અમે ઘરે હતા અને અચાનક એક ફોન આવ્યો જેમાં અમને ઘટના વિશે જણાવવામાં આવ્યું કે સરપંચને ગોળી મારી દેવામાં આવી છે. મેં ઘણા સરપંચો જોયા છે, પરંતુ તેઓ એકમાત્ર એવા સરપંચ હતા, જે વિસ્તારના વિકાસ માટે જાણીતા છે. તેઓ તેમની સહાનુભૂતિ તેમજ ઉદારતા માટે જાણીતા હતા. વસીમે કહ્યું કે ખુદા જાણે કેમ તેની હત્યા કરવામાં આવી, આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે.
એજાઝ અહેમદ શેખના પરિવારના સભ્ય ઈરફાન અહેમદ શેખે કહ્યું, ‘અમે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ અમને ખબર નહોતી કે આ અવાજ ક્યાંથી આવ્યો છે. ૧૦-૧૫ મિનિટ પછી એજાઝ અહેમદની માતાએ કહ્યું કે, કોઈએ તેમના પુત્રને ગોળી મારી દીધી છે. શૂટર ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો તે અમને ખબર નથી. ૧૦-૧૫ મિનિટ પછી, પોલીસ અને આર્મી અહીં આવ્યા. તેમણે કહ્યું કે તેમને લાગ્યું કે એજાઝ અહેમદ હજુ પણ ઘાયલ છે તેથી તેઓ જાઝ અહેમદને હોસ્પિટલ લઈ ગયા, તેમણે કહ્યું કે એજાઝ અહેમદ જેટલું કામ ભાગ્યે જ કોઈ સરપંચે કર્યું છે આવા કામ કરી શકે છે.