ચૂંટણી વચ્ચે બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો ખતમ, ૧૭ બેઠકો પર સમીકરણો બદલાશે

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ જૂને થવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ ૧ જૂને છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ રીતે ચૂંટણીને આડે લગભગ એક સપ્તાહ બાકી છે અને તે પહેલા કલકત્તા હાઈકોર્ટના મહત્વના નિર્ણયની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.હાઈકોર્ટે પશ્ર્ચિમ બંગાળમાં ૭૭ મુસ્લિમ જાતિઓનો ઓબીસી દરજ્જો નાબૂદ કરી દીધો હતો. હાઈકોર્ટે આ મુસ્લિમ જ્ઞાતિઓને ઓબીસીનો દરજ્જો આપવાના આધારને ગેરકાયદેસર જાહેર કરતા આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. આ ૭૭ જાતિઓમાંથી ૪૨ જાતિઓને ૨૦૧૦માં તત્કાલીન ડાબેરી સરકાર દ્વારા ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પછી, મમતા બેનર્જી સરકાર દરમિયાન બાકીની જાતિઓ ઉમેરવામાં આવી હતી.

કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ સમુદાયોને ઓબીસી ક્વોટા હેઠળ નિમણૂકો મેળવવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે એક રાહતના સમાચાર એ પણ આપવામાં આવ્યા છે કે જેમને હવે ઓબીસી ક્વોટા હેઠળ નોકરી કે પ્રવેશ મળ્યો છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. હાઈકોર્ટનો નિર્ણય દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ હોવા છતાં તેની ચૂંટણી અસર બંગાળમાં પણ જોવા મળી શકે છે. રાજ્યમાં મુસ્લિમોની વસ્તી લગભગ ૩૦ ટકા છે, જેઓ લગભગ સમગ્ર રાજ્યમાં પ્રભાવ ધરાવે છે.

છઠ્ઠા અને સાતમા તબક્કામાં જે ૧૭ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી છે ત્યાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. આવી સ્થિતિમાં ચૂંટણીમાં ધ્રુવીકરણની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. ઓબીસીનો દરજ્જો નકારી કાઢતા કોર્ટે કહ્યું કે, ‘કોર્ટનું માનવું છે કે ૭૭ મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા હતા. એવી પણ આશંકા છે કે આ લોકોનો વોટબેંક તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે રીતે આ લોકોને ઓબીસી યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા તે જોતા લાગે છે કે તેમની સાથે વોટ બેંક તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો.

ત્રણ લોકોની અરજી પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે ઘણી જ્ઞાતિઓને કોઈપણ આથક અને સામાજિક અભ્યાસ વિના ઓબીસી એ અને ઓબીસી બી યાદીમાં સામેલ કરવામાં આવી છે. આવું ૨૦૧૧થી થઈ રહ્યું છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવી હતી.