ચૂંટણી પૂરી થતાં જ અજિત પવારને આંચકો! સુગર મિલ કૌભાંડની તપાસ ફરી શરૂ

ચૂંટણી પૂરી થતાં જ અજિત પવારને આંચકો! સુગર મિલ કૌભાંડની તપાસ ફરી શરૂ

મુંબઇ, મહારાષ્ટ્રમાં લોક્સભા ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ નાયબ મુખ્યમંત્રી અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થવાની આશંકા છે. તેને લગતા જરણેશ્ર્વર સુગર ફેક્ટરી કેસની તપાસ ફરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ તપાસ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસને અજિત પવાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

અહેવાલો અનુસાર, રાજ્યમાં ચોથા તબક્કાના મતદાન બાદ પુણે એસીબીએ જરાંદેશ્ર્વર સુગર મિલ કેસની તપાસ શરૂ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સતારા જિલ્લામાં સ્થિત જરાંદેશ્ર્વર સુગર ફેક્ટરી, કોરેગાંવમાં એક પ્લોટ અને એનસીપી પ્રમુખ અજિત પવાર સાથે સંબંધિત ડિસ્ટિલરી પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓના સંબંધમાં તપાસ ચાલી રહી છે.

જરાંદેશ્ર્વર સુગર ફેક્ટરીની તપાસ શરૂ થયા બાદ મહાયુતિ ગઠબંધનમાં બધુ બરાબર નથી તેવી અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં લોક્સભા ચૂંટણીના ચોથા તબક્કા બાદ અજિત પવાર મહાયુતિના પ્રચારમાં બહુ સક્રિય જોવા મળ્યા ન હતા. અજિત દાદાએ છેલ્લા તબક્કામાં મુંબઈ અને થાણેની ૯ લોક્સભા બેઠકો માટે પ્રચાર પણ કર્યો ન હતો.

ભાજપ-શિવસેના સાથે સત્તામાં આવ્યા બાદ અજિત પવારને રાહત મળી હતી જરાંદેશ્ર્વર ફેક્ટરીની તપાસ કર્યા બાદ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી અને આ કેસમાં અજિત પવારનું નામ આપ્યું હતું. પરંતુ હવે એસીબીએ આ મામલે તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે આ કેસનો દોર ક્યાં સુધી પહોંચે છે. પરંતુ આ તપાસના કારણે અજિત પવાર મુશ્કેલીમાં આવી શકે છે તેવી ચર્ચા છે.

જરાંદેશ્ર્વર સુગર ફેક્ટરીની કમાન તત્કાલિન ધારાસભ્ય શાલિનિતાઈ પાટીલના હાથમાં હતી. તેમણે આ દેવાથી ડૂબી ગયેલી ફેક્ટરીને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો. પરંતુ સફળતા ન મળતા આખરે ફેક્ટરીની હરાજી કરવી પડી હતી. ત્યારબાદ ગુરુ કોમોડિટી પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા જરાંદેશ્ર્વર સુગર ફેક્ટરી ખરીદવામાં આવી હતી. આરોપ છે કે અજીત દાદા સાથે જોડાયેલા એક વ્યક્તિએ આ ફેક્ટરી પર કબજો કર્યો છે. બાદમાં શાલિનીતાઈ પાટીલે આરોપ લગાવ્યો કે હરાજીની સમગ્ર પ્રક્રિયા કપટપૂર્ણ હતી. તેમણે કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે આ અંગે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ એસીબીએ કેસ નોંયો હતો. આ પછી, ઈડ્ઢએ પણ અલગથી કેસની તપાસ શરૂ કરી હતી.