ચૂંટણી પ્રચાર પહેલા જ વડોદરામાં ’પોસ્ટર વોર’: રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા

વડોદરા, લોક્સભાની ચૂંટણી પહેલા ગુજરાતની સાથે વડોદરાનું રાજકારણ પણ ભારે ગરમાયું છે. નોંધનીય છે કે, રંજન ભટ્ટને વડોદરા લોક્સભાની સીટ માટે ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે. જે બાદ અનેક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. આ સાથે ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયના બોર્ડ પાસે પણ રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાયા હતા.

નોંધનીય છે કે, મંગળવારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનું રાજીનામું આખો દિવસ ચર્ચામાં રહ્યુ હતુ અને પછી મોડી રાતે રંજનબેન વિરુદ્ધના પોસ્ટર લગાવાતા વડોદરાનું રાજકારણ ભારે ચર્ચામાં આવી રહ્યુ છે.

શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર કોણે લગાવ્યા તે અંગે હાલ તપાસ થઇ રહી છે. જોકે, આ પોસ્ટરો હાલ હટાવી લેવામાં આવ્યા છે. ભાજપના લોક્સભાના ઉમેદવાર રંજનબેન વિરુદ્ધમાં લખવામાં આવ્યુ છે કે, ‘મોદી તુજસે વેર નહીં રંજન કેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’

જોકે, આ અંગે સંગમ અને કારેલીબાગના સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને રંજનબેન ભટ્ટ સામે કોઇ વાંધો નથી. અમને તેમની કામગીરી સામે કોઇ સવાલ નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આ પોસ્ટરો કોણે લગાવ્યા તે અંગે તપાસ થવી જોઇએ.