
બ્રિટનની સામાન્ય ચૂંટણી ૪ જૂલાઇએ યોજાવવાની છે, ત્યારે ચૂંટણી પ્રચાર સમાપ્ત થવાના આરે બ્રિટનના વડા પ્રધાન ૠષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂતએ લંડનના પ્રતિષ્ઠિત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરને નેસડેન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન ૠષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂત શનિવારે ભવ્ય મંદિરના પરિસરમાં પહોંચ્યા ત્યારે તેમનો ઉષ્માભેર સ્વાગત કરાયો હતો ત્યારબાદ બંનેએ પૂજારીઓના માર્ગદર્શન મુજબ અર્ચના કરી હતી.
ૠષિ સુનકે મંદિરની મુલાકાત લીધા બાદ સ્વયંસેવકો અને સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે, હું પણ તમારા બધાની જેમ હિંદુ છું અને મારો ધર્મ મને પ્રેરણા આપે છે. મને ’ભગવદ ગીતા’ પર હાથ રાખીને તરીકે શપથ લેતાં ગર્વ થાય છે. આપણો ધર્મ શીખવે છે કે આપણે આપણી ફરજ ઇમાનદારીથી બજાવવી જોઇએ અને જો આપણે તેનું પાલન કરતા હોઇએ તો આપણે પરિણામ વિશે ચિંતા ન કરવી જોઇએ. મારા માતા-પિતાએ મને આ શીખવ્યું છે અને આ રીતે હું મારું જીવન જીવું છું. આ જ હું મારી દીકરીઓને શીખવવા માંગુ છું. આ ધર્મ છે જે મને જાહેર સેવા પ્રત્યેના મારા અભિગમમાં માર્ગદર્શન આપે છે. દરમિયાન ક્રિકેટ રસિયા સુનકે પોતાના સંબોધનમાં ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બ્રિટનમાં ૪ જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પ્રચાર છેલ્લા સપ્તાહના અંતમાં પ્રવેશી ગયો છે ત્યારે તમામ પક્ષો પોતાનો જોર લગાવી ઉગ્ર પ્રચાર કરી રહ્યા છે અને વિરોધી પક્ષો પર આરોપો લગાવી રહ્યા છે. દરમિયાન ૠષિ સુનકની મંદિર મુલાકાત તેમને ફાયદો કરાવી શકે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.