ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મહિસાગર,ભારતના ચૂંટણી પંચ ધ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ મહીસાગર જીલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ચૂંટણીનું મતદાન તા.07/05/2024ના રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તા.04/06/2024ના રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. આ હેતુ માટે તેઓ ધ્વારા મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે જરૂરી છે. ચૂંટણી પ્રચારમાં વપરાતા વાહનોની અસર સામાન્ય જનમાનસ તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય છે. જેના કારણે સાચી ખોટા ફરીયાદો ઉપસ્થિત થવાની, ઉમેદવારોના એકબીજા જુથો વચ્ચે મનદુ:ખ થાય અને ઘર્ષણ ઉભુ થવાની તેમજ સુલેહ શાંતી ભંગ થવાની સંભાવના રહે છે. તે અનુસંધાને મહિસાગર જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોઇપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇપણ ઉમેદવારના કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો મહીસાગર જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડો સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. આ પરમીટમાં વાહન ક્યા મતદાર વિભાગના ક્યા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે. તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહિ. વધુમાં ત્રણથી વધુ મોટરકાર વાહન ઉપર હરવા-ફરવા ઉપર પ્રતિબંધિત ગણાશે.

આ નિયંત્રણ યાંત્રિક શક્તિથી ચાલતા કે બીજી કોઇ રીતે ચાલતા વાહનો જેવાં કે બસ/મીની બસ, સ્ટેશન વેગન, ટેકસી, ખાનગી કાર, ટ્રક, ટ્રેમ્પો, ટ્રેલર સાથેનું કે તે વિનાનું ટ્રેકટર, ઓટોરીક્ષા, સ્કુટર, પશુથી ચાલતા વાહનો વિગેરે તમામ પ્રકારના વાહનોને લાગુ પડે છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.