મહીસાગર,ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણી પ્રચાર અર્થે સભા કે સરઘસોમાં માઈકનો ઉપયોગ અંગે લાઉડ સ્પીકરનો રાત્રે 10 કલાકથી સવારના 8:00 કલાક સુધી ઉપયોગ કરી શકાશે નહિં તેમજ બાકીના સમયમાં સ્પીકરનો ઉપયોગ કરવા માટે સબંધિત સત્તાધિકારીની અગાઉથી લેખીત પરવાનગી લેવાની રહેશે. આવી પરવાનગી આપતી વખતે સબંધિત સત્તાધિકારી જાતે ખાતરી કરીને પરવાનગીને લીધે જાહેર શાંતિ જોખમાય નહિ તે સુનિશ્ચિત કરશે. સ્પીકર માટે ઉપયોગ કરવામાં આવતા વાહનોની અરજીમાં વાહનોના પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે.
પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારને તે વિસ્તારના પોલીસ મથકને તેમજ સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને તેમના ધ્વારા મેળવેલ પરવાનગી પત્ર (પરમીટ)ની સંપૂર્ણ અને લેખીતમાં જાણ કરવાની રહેશે, ફરતા વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરનો ઉપયોગ ચાલુ વાહને થઈ શકશે નહીં આવા કિસ્સામાં વાહનને કોઈ સ્થળે ઉભુ રાખી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.