કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. વાયનાડ લોક્સભા સીટ પર પેટાચૂંટણી થશે નહીં. આજે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરતી વખતે, ચૂંટણી પંચે ચાર વિધાનસભા બેઠકો અને એક લોક્સભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, પરંતુ વાયનાડ બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી ન હતી. માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલનું લોક્સભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ અમારી પાસે ૬ મહિના માટે પેટાચૂંટણીની જાહેરાત કરવાનો સમય છે. હજી કોઈ ઉતાવળ નથી. તેમની પાસે અપીલ કરવા માટે ૩૦ દિવસનો સમય છે.
રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભાષણ દરમિયાન ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરી હતી. આ પછી, વર્ષ ૨૦૧૯ માં, ગુજરાતના સુરતમાં ભાજપના ધારાસભ્ય દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શુક્રવાર, ૨૪ માર્ચે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની સજા ફટકારી છે.
આ કેસમાં રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા હતા અને કોર્ટે ચુકાદાને પડકારવા માટે તેમની સજાના અમલ પર ૩૦ દિવસ માટે પ્રતિબંધ પણ મૂક્યો હતો, પરંતુ તેમને લોક્સભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું. કોંગ્રેસ આ મામલે સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ શુક્રવારથી દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પંજાબની જલંધર લોક્સભા સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની બે બેઠકો, ઓડિશા અને મેઘાલયની એક-એક બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તમામ સીટો પર ૧૦ મેના રોજ જ મતદાન થશે. આ તમામ સીટોના પરિણામ પણ ૧૩ મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની સાથે જ આવશે.