ચૂંટણી પંચે ટ્રાન્સજેન્ડર મોનિકા દાસને બિહારની સ્ટેટ આઇકોન બનાવી છે

  • અગાઉ દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર બેંકર બની ઇતિહાસ રચ્યો હતો.

પટણા,ચૂંટણી પંચે ટ્રાન્સજેન્ડર મોનિકા દાસને બિહારની સ્ટેટ આઇકોન બનાવી છે. નાનપણમાં લોકો મહેણા ટોણા મારતા, મજાક ઉડાવતા હતા. ધગશથી અભ્યાસ કરી દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર બેંકર બનીને ઇતિહાસ રચ્યો હતો. બિહારના સ્ટાઇલિશ ટ્રાન્સજેન્ડર તરીકે પ્રખ્યાત મોનિકા દાસને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં મંગલમુખી સમુદાયની સક્રિય ભાગીદારીની ખાતરી કરવા માટે સ્ટેટ આઇકોન બનાવવામાં આવી છે. ભૂતકાળમાં મોનિકા દાસે બિહાર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૦માં રાજ્યના પ્રથમ ટ્રાન્સજેન્ડર પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ચૂંટણી કામગીરી બજાવી હતી. ૨૩ વર્ષની મોનિકા દાસે પ્રથમ ટ્રાન્સજેન્ડર બેંકર બનીને ઈતિહાસ બનાવ્યો છે.

મોનિકા દાસ હાલમાં પટના ખાતે કેનેરા બેંકમાં ઓફિસર છે. મોનિકા દાસનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. મોનિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે તે ત્રણ વર્ષની હતી ત્યારે તેને ટ્રાન્સજેન્ડર હોવાની ખબર પડી હતી. મોનિકાના પિતાએ તેનું નામ ગોપાલ રાખ્યું હતું. ટ્રાન્સજેન્ડર હોવાને કારણે તેને ઘરની સાથે બહાર પણ અપમાનનો સામનો કરવો પડ્યો હતો. ભાઈઓને તેના પર શરમ આવતી હતી. તેનુ બાળપણ મહેણા ટોણા વચ્ચે વીત્યું. નાનાપણમાં કોઈ તેને મિત્ર બનાવતું ન હતું. બધા સાથે મળીને તેની મજાક ઉડાવતા હતા.

મોનિકા દાસ કહે છે કે તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. જો કે બાળપણમાં ચાલવાની રીત અને અવાજ છોકરાઓ જેવો હતો, પરંતુ તેની પર્સનાલિટી છોકરીઓ જેવી હતી. મોનિકાના કહેવા પ્રમાણે, ઘણા સમયથી તે છોકરીની જેમ જીવવા માંગતી હતી. મોનિકા કહે છે કે સ્કૂલના દિવસોમાં તેના ક્લાસના મિત્રો તેની મજાક ઉડાવતા હતા.

આ બધાને કારણે મોનિકા ઘણી ઉદાસ રહેવા લાગી હતી. સાથે ભણતા તમામ તેને મેણા-ટોણા મારતા હતા અને તે ઘરે આવીને બહુ રડતી હતી. જો કે તેણે આત્મવિશ્ર્વાસ ગુમાવ્યો નહીં અને તે ટ્રાન્સજેન્ડરના રૂપમાં પોતાની ઓળખ ઉભી કરવાનો નિર્ણય કર્યો. તેણે મન લગાવીને અભ્યાસ કર્યો અને સફળતાની સીડીઓ ચડતી ગઇ.

મોનિકા દાસનું કહેવું છે કે તે તમામ ટ્રાન્સજેન્ડરોને મતદાન કરવા માટે જાગૃત કરશે. તેમણે પોતાના સમુદાયના લોકોને અપીલ કરતા કહ્યું કે મારા સમુદાયમાંથી આવતા તમામ લોકો કૃપા કરીને તમારા એક મતનું મહત્વ સમજે અને મતદાન અવશ્ય કરે. તેણે કહ્યું કે, આપણા બિહારમાં જાગૃતિની જરૂર છે. બીજી તરફ ચૂંટણી પંચના આ નિર્ણયથી ટ્રાન્સજેન્ડર સમુદાય ખુશ છે.