ચુંટણી પંચે બોલિવૂડ એક્ટર રાજ કુમાર રાવને નેશનલ આઈકોન બનાવ્યા

મુંબઇ, ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તે પણ એક-બે નહીં પરંતુ પાંચ રાજ્યોમાં. આ પહેલા ચૂંટણી પંચ ઘણી જાહેરાતો કરી રહ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવને મોટી જવાબદારી સોંપી છે. અભિનેતાને નેશનલ આઇકોન બનાવવામાં આવ્યો છે. આયોગ દ્વારા આજે એટલે કે ગુરુવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવેમ્બરમાં તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીનું પરિણામ ૩ ડિસેમ્બરે આવશે.

નેશનલ આઇકોનનું કામ ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવાનું છે. તેમનો પ્રયાસ લોકોને જાગૃત કરીને મતદાનની ટકાવારી વધારવાનો છે. તમને યાદ અપાવી દઈએ કે, રાજકુમાર રાવ પહેલા ચૂંટણી પંચે આ વર્ષે ઓગસ્ટમાં પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાનો નેશનલ આઇકોન બનાવ્યો હતો. વાસ્તવમાં લોક્સભાની ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા માંગે છે. આ વખતે ચૂંટણી પંચનું ફોક્સ સૌથી વધુ યુવાનો પર છે.

જ્યારે ચૂંટણી પંચ કોઈ ફિલ્મ કે ક્રિકેટ સેલિબ્રિટીને નેશનલ આઇકોન બનાવે છે, ત્યારે તે સેલિબ્રિટીને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઈન કરાવે છે. આ હેઠળ, સેલિબ્રિટી ત્રણ વર્ષ માટે બંધાયેલા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝુંબેશ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લઈને મતદારોને જાગૃત કરવાના છે જેથી તેઓ મહત્તમ સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી શકે અને મતદાન કરી શકે. હવે એ જ રીતે રાજ કુમાર રાવ પણ લોકોને જાગૃત કરતા જોવા મળી રહ્યા છે.