ચૂંટણી પંચે ૨૭૧ સાંસદો, વિધાયકોને સસ્પેન્ડ કરી નાખ્યા

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશભરના ૨૭૧ સાંસદો અને ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરી છે. આવક અને જવાબદારીઓના હિસાબના લેખાજોખા સબમિટ ન કરવા બદલ તેમની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. દર વર્ષે ૩૧ ડિસેમ્બર સુધીમાં આ નાણાકિય વિવરણ ફાઇલ કરવામાં આવે છે. પાકિસ્તાન ચૂંટણી પંચે સાંસદો અને ધારાસભ્યોને ૩૦ જૂન, ૨૦૨૨ સુધીના નાણાકિય હિસાબો સબમિટ કરવા માટે ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો.

સાંસદો અને ધારાસભ્યોને ચેતવણી આપવામાં આવી હતી કે જેઓ નાણાકીય વિગતો પ્રદાન નહીં કરે તેમની સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે. ECP એ સોમવારે કહ્યું કે નેશનલ એસેમ્બલીના ૧૩૬ સભ્યો, ૨૧ સેનેટર અને પ્રાંતીય એસેમ્બલીના ૧૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે, નેશનલ એસેમ્બલીના ૩૫ સભ્યો અને ત્રણ સેનેટરોએ ૧૬ જાન્યુઆરીની સમયમર્યાદા સુધીમાં નાણાકીય નિવેદનો ફાઇલ કર્યા ન હતા, જ્યારે આ વર્ષે તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) નેતાઓએ રાજીનામું આપ્યું હોવાથી આ સંખ્યા પ્રમાણમાં વધુ રહી હતી.

ઇસીપી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પંજાબ પ્રાંતીય એસેમ્બલીનો કોઈ સભ્ય નથી, કારણ કે પ્રાંતીય એસેમ્બલીનું વિસર્જન થઈ ચૂક્યું છે. નેશનલ એસેમ્બલીના સભ્યો અને સેનેટર્સ ઉપરાંત સિંધ પ્રાંતીય એસેમ્બલીના ૪૮ સભ્યો, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતીય એસેમ્બલીના ૫૪ સભ્યો અને બલૂચિસ્તાન પ્રાંતીય એસેમ્બલીના ૧૨ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.