ચૂંટણી પંચ સરકારની સૂચનાઓ પર કામ કરે છે”, કપિલ સિબ્બલ

નવીદિલ્હી, રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે ફરી એકવાર ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે પ્રહારો કર્યા છે. તેમને કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નામે મોટું કૌભાંડ થયું છે, તેનો સીધો ફાયદો ભાજપને થયો છે. તેમને કહ્યું કે આરએસએસ અને ભાજપ જણાવે કે તેઓ આ ભ્રષ્ટાચાર પર શું કહેશે, તેમણે જવાબ આપવો જોઈએ. ED માત્ર વિપક્ષી નેતાઓ પર દરોડા પાડે છે. અરવિંદ કેજરીવાલની વહેલી કે મોડી ધરપકડ કરવામાં આવશે. ચૂંટણી પંચ સરકારની સૂચનાઓ પર કામ કરે છે. પંચ સાત તબક્કામાં ચૂંટણી કરાવીને આ સાબિત કરવા માંગે છે.

આ પહેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી સાર્વજનિક થયા બાદ સિબ્બલે પીએમ મોદી પર નિશાન સાયું હતું. તેમને કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક ‘રિટર્નમાં ફાયદો’ થયો છે. પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે કોઈએ કહ્યું હતું કે- ન તો હું ખાઈશ અને ન ખાવા દઈશ. પીએમ મોદીએ ૨૦૧૪ પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરવાનું વચન આપતાં આ વાત કહી હતી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ‘એકસ’ પર પોસ્ટ કર્યું, “ઇલેક્ટોરલ બોન્ડના દાતાઓ, બદલામાં લાભ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.” પીએમ મોદીનું નામ લીધા વિના તેમણે આગળ કહ્યું, ‘એક ક્વિઝ છે  કોને કહ્યું  ન તો હું ખાઈશ અને ન ખાવા દઈશ?’ અગાઉ, તેમણે ચૂંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે એસબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી માંગવામાં આવેલા વિસ્તરણ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે એસબીઆઇએ મુલતવી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટ મક્કમ રહી હતી.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે ૧૪ માર્ચે ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સાર્વજનિક કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૨ માર્ચે ચૂંટણી પંચને બોન્ડની વિગતો આપી હતી, જે પછી જાહેર કરવામાં આવી હતી. આ વાત સામે આવતાની સાથે જ વિરોધ પક્ષોએ નિવેદનો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે વિગતો દર્શાવે છે કે ભાજપને સૌથી વધુ ચૂંટણી દાન મળ્યું છે.